પાની બિચ મીન પિયાસી,
મોહિ સુન સુન આવત હાંસી.
આતમજ્ઞાન બિના સબ સૂના,
ક્યા મથુરા ક્યા કાશી.
ઘર મેં વસ્તુ ધરિ નહિ સૂઝે,
બાહર ખોજત જાસી.
મૃગ કી નાભી માહિં કસ્તૂરી,
બનબન ખોજત જાસી.
કહૈ કબીર સુનો ભાઇ સાધો,
સહજ મિલે અવિનાસી.
July 11, 2006
વિરહ-પીડા ન ઘટી, ક્રુર ઘટાઓ રહી ગઇ,
મારા જીવનના મુકદ્દરમાં કઝાઓ રહી ગઇ.
કોઇને યાદ ફક્ત મારી વફાઓ રહી ગઇ,
હાય, મુજ સત્ય હકીકતની કથાઓ રહી ગઇ.
એના લીધે જ હતું જાણે આ તોફાન બધું,
નાવ ડૂબી તો પ્રતિકૂળ હવાઓ રહી ગઇ.
તારી રહેમતની વધારી જગે શોભા ફોકટ !
મારી નિર્દોષ ગુનાઓની સજાઓ રહી ગઇ.
આખરી એક નજરનું જ હતું કામ ફક્ત,
દર્દ દેનારના હાથોમાં દવાઓ રહી ગઇ.
પાર મુજ ધૈર્ય-કસોટી ન ઊતરવા પામી,
હોઠ પર આવી ને લાચાર દુઆઓ રહી ગઇ.
‘શૂન્ય’ છલકાઇ મદિરા છતાં ઊભરો ન ગયો,
જામમાં કોઇના યૌવનની અદાઓ રહી ગઇ.
July 11, 2006
અમે એવા છઇએ : અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.
તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.
July 9, 2006
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરે ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી !
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી…… ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
July 8, 2006
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે ;
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે;
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
લીલોઘમ્મર નાગ જીવને અનરાધાર કરડે રે વરસાદ ભીંજવે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે,
થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે;
કોને કોનાં ભાંનસાન વરસાદ ભીંજવે.
July 7, 2006
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
July 3, 2006
વાત કયાં ક્યારેય પૂરી થાય છે?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝિલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
July 3, 2006