વ્હાલમની વાતો - ભાસ્કર વોરા. ( 12-08-1907 )

વ્હાલમ ની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
5 comments August 22, 2006