Archive for ઓક્ટોબર, 2006

એક છોકરીના હાથથી રૂમાલ પડે – રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે
         તે લેવા આખું યે ગામ વળે નીચે
                  જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે
                  તે બાબત પર ઠેર ઠેર ગરમી

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
                  અને નાસ્તિકો થઇ ગયા ધરમી

કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને
                  તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
                  જરા મોઢાંઓ માંજો ને શોભો !

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

ઓક્ટોબર 31, 2006 at 9:44 પી એમ(pm) 4 comments

એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ.

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ? 
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
         એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
         હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
         અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
         કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
         સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ; 
         વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ? 
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.

ઓક્ટોબર 30, 2006 at 10:22 પી એમ(pm) 6 comments

જય જલારામબાપા.

જય જલારામબાપા સંતો જય જલારામબાપા
ભક્તિ ભાવથી ભજીએ (2)  ગુણ ગાઇએ તારા…
                                             જય જલારામબાપા…

અઢાર છપ્પન સાલ સંતો અઢાર છપ્પ્ન સાલ
અવનિમાં અવતરીઆ (2)  ભજવા રામ કૃપાળ…
                                             જય જલારામબાપા…

રાજબાઇ ધન્ય માત સંતો રાજબાઇ ધન્ય માત,
ઉદરે તમે અવતરીઆ (2)  પાવન પ્રધાન તાત… 
                                             જય જલારામબાપા…

રઘુવંશમાં અવતાર સંતો રઘુવંશમાં અવતાર,
ભોજલ ગુરુને ધાર્યા (2)  ધન્ય ધન્ય ભોજલરામ…
                                             જય જલારામબાપા…

વીરપુરમાં છે વાસ સંતો વીરપુરમાં છે વાસ,
રામ હ્રદયમાં ધાર્યા (2)  સમર્યા શ્વાસોશ્વાસ… 
                                             જય જલારામબાપા…

અન્નદાન આપી સંતો અન્નદાન આપી;
સેવા કરી સંકટ કાપ્યાં (2)  અટળ ધર્મ સ્થાપ્યા…
                                             જય જલારામબાપા…

અદ્દભુત રૂપ ધારી સંતો અદ્દભુત રૂપ ધારી;
ઇશ્વર દ્વારે આવ્યા (2)  આપ્યા નિજ નારી…
                                            જય જલારામબાપા…

પ્રાર્થના ભુવનમાં વાસ સંતો પ્રાર્થના ભુવનમાં વાસ;
ભક્તિ આપો કષ્ટ કાપો (2)  દુઃખડાંનો સૌ નાશ…
                                            જય જલારામબાપા…

જલિયાણ અવતારી સંતો જલિયાણ અવતારી;
મોહન ગુણલાં ગાયે (2)  સુખ આપે ભારી… 
                                            જય જલારામબાપા…

જલિયાણની આરતી સંતો જે ભાવે ગાશે;
મનના મનોરથ ફળશે (2)  દુઃખડાં સૌ ટળશે… 
                                            જય જલારામબાપા…

+ વિરલસંત શ્રી જલારામબાપાના જીવન વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

ઓક્ટોબર 29, 2006 at 9:17 પી એમ(pm) 6 comments

દોહા.

ઠાકર પણ ઠેકો લીધે, સૂર સંધાતા સમે ;

ઢાંકણીયે ઢોલે રમે, હરિની હાર્યે હેમલો

વર્ષો પછી વૈકુંઠમાં, હેમુને મળ્યા હરિ ;

ગોકુલ ગાંડુ કરી, સ્વર તીહારે શામળા.

સોરઠ સાઝ સુના થીયા, કારણ કામણ કીયો ;

હલહ લઇ હેમુ ગયો, સૂર સંગાથે શામળા.

કસુંબી રંગનો કેફ કોઠે ધરી,

ગીતમાં લોકના બોલ ગાયા

પથ્થરના પાળીયે પ્રિત પેદા કરી,

વિજોગી વનિતાના વેણ સાંધ્યા

સતિને શુરની તેં ગુણગાથા કરી,

ધડૂસતા ઢોલે ને તલવાર ધારે.

ઓક્ટોબર 28, 2006 at 9:27 પી એમ(pm) 8 comments

એક દી – સૈફ પાલનપુરી

સૈફુદ્દીન ગુલામઅલી ખારાવાલા

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

ઓક્ટોબર 27, 2006 at 9:43 પી એમ(pm) 4 comments

હાલરડું – કૈલાસ પંડિત.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

 

એક બીજુ,  કાઠ્યાવાડ માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું…

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.

આખુ હાલરડું વાંચવા અહીં ક્લીક કરો.

ઓક્ટોબર 26, 2006 at 10:16 પી એમ(pm) 10 comments

‘શયદા’ – હરજી લવજી દામાણી.

શયદા (  24-10-1892  ::   30-06-1962 )

(1) જાણું છું

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

( 2) મોતીનાં તોરણ

જાશું, જઇને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું.

નયનોને દ્વાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું.

અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મજા ક્યાંથી લાવશું ?

આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઇ તો આંખો બિછાવશું.

‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે – શું શું ગુમાવશું ?

ઓક્ટોબર 25, 2006 at 10:36 પી એમ(pm) 5 comments

જય લક્ષ્મીમાતા

જય લક્ષ્મીમાતા મા જય લક્ષ્મીમાતા,
         ભક્તોનાં દુઃખ હરતાં, ભક્તોનાં દુઃખ હરતાં,
                  પ્રગટ્યાં પૃથ્વી મા….. જય લક્ષ્મી…

તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું સાવિત્રી મા,
         પાપીનાં દુઃખ ધોતી, પાપીનાં દુઃખ ધોતી,
                  તું મહાલક્ષ્મી મા…..જય લક્ષ્મી…

ધરીને ચંડીરૂપ ચંડમુંડ માર્યા મા,
         દેવોનું દુઃખ, હરિયું દેવોનું દુઃખ હરિયું,
                  પાપીને તાર્યા…..જય લક્ષ્મી…

યુદ્ધે ચડિયાં ખડ્ગ ધરીને મા કાલિકા,
         રોળ્યો મહિષાસુરને, રોળ્યો મહિષાસુરને,
                  દૈત્યકુળ સાથે મા…..જય લક્ષ્મી…

દુઃખ બહુ દેતા દેવોને નિશુંભશુંભ પાપી,
         સંહારીને માતા, સંહારીને માતા,
                  મુક્તિ તો આપી…..જય લક્ષ્મી….

અનેક એવા ભક્ત તાર્યા ભાવ થકી મૈયા,
         અમને પણ અર્પોને, અમને પણ અર્પોને,
                  મહાદેવી, સુમતિ…..જય લક્ષ્મી…

ધરતી અનેક રૂપ ભક્તો કાજે મા,
         સુખસંપત્તિ સહુ દેતાં, સુખસંપત્તિ સહુ દેતાં,
                  ત્રિભુવન સુખદાતા…..જય લક્ષ્મી…

સ્તુતિ કરીને જે ભક્ત આરતી ગાશે મા,
         મુક્તિને તો પામી, મુક્તિને તો પામી, 
                  મા પાસે જાશે…..જય લક્ષ્મી…

ઓક્ટોબર 20, 2006 at 5:09 પી એમ(pm) 3 comments

ૐ જય લક્ષ્મી માતા

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમ કો નિસદિન સેવત, હર વિષ્ણુ ધાતા. ૐ…

            ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા,
            સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. ૐ…

દુર્ગારૂપ નિરંજની, સુખ-સમ્પતિ દાતા,
જો કોઇ તુમ કો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા. ૐ…

            તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા,
            કર્મ પ્રભાવ પ્રકાશિની, ભાવનિધિકી દાતા. ૐ…

જિસ ઘર તુમ રહતી, તહં સબ સદ્દગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહિ ઘબરાતા. ૐ… 

            તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો પાતા,
            ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા. ૐ…

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોવધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહિ પાતા. ૐ… 

            મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઇ નર ગાતા,
            ઉર આનંદ સમાતા, પાપ ઊતર જાતા. ૐ.

ઓક્ટોબર 20, 2006 at 5:02 પી એમ(pm) 1 comment

રામ – અવિનાશ વ્યાસ.

[odeo=http://odeo.com/audio/2197927/view]

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણ ને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

ઓક્ટોબર 19, 2006 at 10:51 પી એમ(pm) 5 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,568 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031