Archive for October, 2006

મૌન - ડૉ. નીલેશ રાણા.

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી. 

         જળની કુંડળી પરપોટામાં
                  શાને જાય સમાઇ ?
         પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
                  પ્રકટે એ જ નવાઇ ?

નદી, સરોવર, સમદર, જળની જૂજવી હોય કહાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

         રેતી પર એક નામ લખું
                  રે ! પવન ભૂંસાતો જાય,
         જળમાં તારું નામ લખું તો
                  તરંગમાં લહેરાય !

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી.
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.


6 comments October 8, 2006

એક જ દશાનાં દૃશ્ય - બરકત વિરાણી ‘બેફામ’

એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે;
એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.

દેખાવમાં તો હાથની થોડી લકીર છે;
પણ એ જીવનની જાળના સૌએ અસીર છે.

ચંચળ નજરનાં એમ તો બેચાર તીર છે;
પણ તારું તીર એ જ છે જે દિલમાં સ્થિર છે.

દુઃખ એ જ છે કે કોઇ અહીં હમસફર નથી,
નહિ તો આ રાહના તો ઘણા રાહગીર છે.

કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં,
જેને હજાર હાથ છે એ દસ્તગીર છે.

ફેલાવવા ન દેશો કદી હાથ એમને,
રાખે છે મુઠ્ઠી બંધ એ સાચા ફકીર છે.

ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું,
મારામાં એક કૈસ છે તો કબીર છે.

જગને બતાવવામાં હવે રસ નથી મને
પહેલાં હતું જે એ જ હજી પણ ખમીર છે.

પ્રીતિની એ જ સાચી પીડા હોવી જોઇએ,
એ આવશે નહીં ને છતાં મન અધીર છે.

ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
’બેફામ’ જે કબરમાં છે એ તો શરીર છે.


4 comments October 7, 2006

હે તને જાતાં જોઇ પનઘટની વાટે - અવિનાશ વ્યાસ.

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..

કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું. હે તને…..

બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે, મારું મન મોહી ગયું. હે તને…..

રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું. હે તને…..

હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું. હે તને …..


7 comments October 6, 2006

એ જિંદગી - નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (28-09-1920)

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું ;
                                                          - ના, તે નહીં.
એ તરફથી ડાઘુજન ગમગીન ચ્હેરે આવતું ;
                                                          - તેયે નહીં.
રસ્તા વિશે એ બેય ધારા જ્યાં મળે
                                                          તે મેદની છે જિંદગી.

ભરતી વિશે ઊભરાય ખાડી, ખાંજણોયે આકળી,
                                                          - ના, તે નહીં.
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળીએ પાંસળી ;
                                                          - તેયે નહીં.
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
                                                          તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે ;
                                                          - ના, તે નહીં.
ને અષાઢી મેઘ જેવી આંખડી સતત રુએ ;
                                                          - તેયે નહીં.
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરંતું ડૂસકું
                                                          તે સંધિક્ષણ છે જિંદગી. 

 +  ‘ઉશનસ્’ ની જીવન ઝાંખી જાણવા અહી ક્લીક કરો.


1 comment October 5, 2006

વાણિજ્ય પ્રેમ - અજ્ઞાત

મને થતું હતું કે તું મને પ્રેમ કરીશ !
         તેની મે મારા દિલમાં આમનોંધ કરી.
તારી એક એક તીરછી નજરની,
         મારા દિલમાં ખતવણી કરી.

પણ તું બીજા સાથે ફરવા લાગી,
         તેની મે પેટાનોંધ કરી.
તારા પ્રેમમાં મે મે મારી ઘણી મૂડી રોકી,
         તે મારી ભૂલ થઇ, તેની મે ભૂલ સુધારણા કરી.

તારા પ્રેમપત્રના ખર્ચા પૂરા કરવા,
         મે મારી બેંક સિલક ઘટાડી.
તારા પ્રેમમાં વધારો ઘટાડો થતો હોવાં છતાં,
         મે મારા રોકાણોમાં વધઘટ ન કરી.

તારા ધાલખાધ જેવા પ્રેમ સાથે,
         મે ધાલખાધ અનામતની જોગવાઇ કરી.
તારા પ્રેમમાં બળી ગયો, તો પણ,
         વીમા કંપનીએ અરજી પણ મંજુર ના કરી.

હવે ખબર પડી કે તારા પ્રેમરૂપી વેપારમાં,
         મે તો ખોટ જ ખોટ કરી.
તારા એક તરફી પ્રેમમાં મે પગપેસારો કર્યો,
         છેવટે ખબર પડી મે તો બસ, ઘસારો જ ઘસારો કર્યો.


9 comments October 4, 2006

ઉકળાટ - પન્ના નાયક.

ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
         કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
         આ કેવો વલોપાત.

થથરું ત્યારે તડકો ઓઢું
         ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
         હું તો કરતી રઝળપાટ.

કોઇ પૂછો નહીં કેટલું લાગે
         એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
         ઓશિયાળો ઉકળાટ.


7 comments October 3, 2006

ફૂલોને - મનસુખલાલ ઝવેરી.

મનસુખલાલ ઝવેરી  (  03-10-1907  ::  27-08-1981 )

તમને નિહાળ્યાં છે મેં વેણીમાં વનિતા તણી
ઘરની ફૂલદાનીમાં, બાલાના કરકંકણે
નિહાળ્યાં છે દુકાનોમાં શહેરોની, જહીં તમે
તાજેતાજાં છતાં જાણે દીસતાં સાવ કૃત્રિમ.

કન્યાની કેસરી કાયે, નવયૌવનની ધરી
ખુમારી, ડોલતાં દીઠાં પણ મેં તમને કદી.

નિહાળ્યાં આથમતી રાતે તમને ચીમળાયલાં
સાક્ષી સુભગ સ્વપ્નોની વધૂની સુખસેજમાં.

કૃષ્ણના કંઠમાં નિહાળ્યાં, નિહાળ્યાં છે શિવને શિરે,
નિહાળ્યાં શિશુકરે એનું ઝીલતાં હાસ્ય નિર્મળ.

નિહાળ્યાં ચાદરરૂપે મેં કાયાએ માનવ તણી,
જતું જીવનમાં વામી ક્લેશો જે ધામ અન્તિમે

પણ સાચું કહું ? શોભ્યાં તમે એવું કદી નથી,
શોભો છો જેવું વૃક્ષોની ડાળીએ ઝૂલતાં તમે.


4 comments October 2, 2006

સાચી રે મારી સત રે ભવાની મા

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..

શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે…..

વિજ્યા દશમી ના પર્વ પર સૌ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ - હેપી દશેરા.


1 comment October 2, 2006

ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ.

સો સો વાતુંનો જાણનારો,
         મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
 
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
         એ…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
         ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
         એ…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
         ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
         એ…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
         મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
         એ…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
         બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
         એ…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
         કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
         એ…..ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
         નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
         એ…..અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,
         જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
         એ…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
         વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
         એ…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
         સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
         સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
         ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
         એ મારા ખોળાનો ખૂંદનારો;
         મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા, 
         ઘડપણને પાળનારો. મોભીડો…..

   + ગાંધીજી વિશે વધુ વાંચવા અહી ક્લીક કરો. 
    


8 comments October 2, 2006

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય… - મહેન્દ્ર શાહ


4 comments October 1, 2006

Next Posts Previous Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta