Archive for March 6th, 2007
ગુલાલ રાખે છે – આશ્ર્લેષ ત્રિવેદી.

તુંય હિંમત કમાલ રાખે છે,
સૂર્ય સામે મશાલ રાખે છે.
છત બધાંને તેં એક આપી છે,
કેમ વચ્ચે દીવાલ રાખે છે !
એ અહીં આવે તો ખરાને દોસ્ત !
એ બધાંની ટપાલ રાખે છે.
મૌન યા શબ્દ કે હો આંસુ પણ,
એ ઇબાદત બહાલ રાખે છે.
શક્ય છે એ મને નહીં ભૂલે !
ગાંઠ બાંધી રૂમાલ રાખે છે.
રંગી દેશે તને ગઝલ એની,
કાફિયામાં ગુલાલ રાખે છે !
6 comments March 6, 2007