Archive for May, 2008
માણસ છે, બિઝનેસ કરે છે :: શ્રી કૃષ્ણ દવે.

પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સુરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
10 comments May 20, 2008