Archive for July, 2008
છોછ :: રસિક મામતોરા
ક્યારેક એવું થાય,
કે આ થાય ? આવું થાય !!
ને ક્યારેક એવું થાય,
કે આ થાય અને આમ જ થાય.
થાય ત્યારે થાય, ક્યારેક કંઇ ન થાય,
કંઇ જ ન થાય, ત્યારે કંઇક થઇ જાય.
આવું મને થાય, આવું તેમને પણ થાય.
બધા ભેગા થાય ત્યારે કંઇક જુદું થાય !
આમ લગભગ થાય, ક્યારેક અચૂક થાય.
ન હોવાપણું વર્તાય ને હોવાપણું જાય.
- પણ રહી રહીને બધાને થાય,
થાય ત્યારે એવું જ થાય,
કે આમ થાય અને આવું જ થાય.
2 comments July 27, 2008
કેમ છે ? :: ધ્રુવ ભટ્ટ
ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી.
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે.
5 comments July 20, 2008
નામ :: અંકિત ત્રિવેદી
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.
5 comments July 13, 2008


