Posts filed under 'કવિતા'

મળ્યાં ભેગા ભળ્યાં - શિલ્પા ગાંધી.

મળ્યાં એવા મળ્યાં,
કે મળ્યાં ભેગા, લગોલગ લાગી ગયાં,
ન ત્યાં મન રહ્યું કે તન રહ્યું,
મનડાં તનડાંનો તફાવત ન રહ્યો,
મૌન સતત બોલતું રહ્યું,
ને શબ્દો બધા ચુપ રહ્યાં,
અમે એવાં મળ્યાં ને એવાં ભળ્યાં,
કે વિધાતા માત્ર દેખતા રહ્યાં.


9 comments September 2, 2007

સ્મરણ - સૌપ્રિય સોલંકી “શૈલ”

ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.

પ્રસંગો બધા નજરું સામે હાથ તાળી રમે,
ને સામટા અરમાનોના જૌહરની યાદ.

મૌનની સજા ગૂંગળાવે મુજ ચિત્તને,
ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ.

ભીંત પરના થાપા ચીતર્યાને વિસ્તર્યા,
તિમિરના નીરમાં હશે ડૂબ્યાનું યાદ.

મીણની જેમ પીગળતું આ પ્રતિબિંબ,
કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ.

ઝંખનાના દરિયામાં નીતરતો ‘હું’ ને
મૃગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.

હસ્તરેખાઓની મર્યાદા પૂરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.


9 comments June 21, 2007

કોઇ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

                       

સાભાર  :  કિશોરભાઇ રાવળ

                         કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! કોઇ… 

                        દિવસ ઊગ્યે બેચેન રહેવું,
                        રાત પડ્યે મટકું ના લેવું,
                        ખોવાયા ખોવાયા જેવી,
                        પળપળને વિસરાવી દેવી ;
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! કોઇ… 

                        દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
                        વેધક વાણીની વૃષ્ટિમાં, 
                        મસ્ત બનીને ફરતાં રે’વું, 
                        મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! કોઇ… 

                        મોજાંઓના પછડાટોથી,
                        ઝંઝાનિલના આઘાતોથી,
                        નૌકા જ્યાં તૂટી પણ જાયે
                        સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે !… 

                        કોઇ પ્રીત કરી તો જાણે !


13 comments May 21, 2007

એક ચહેરો - નિનાદ અધ્યારુ.

એકલો ને એકલો બળતો હશે,
આ અરીસો પણ કદી રડતો હશે ?

કેટલો થાતો હશે રોમાંચ ત્યાં,
ચાંદ, વાદળને જરી અડતો હશે !

યાદ આવે કે તરત, મન બાગબાં,
એક ચહેરો કેટલો ગમતો હશે ?

એક માલણ કાન દઇને સાંભળે ;
ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?

સૂર્યને તો આપણે સમજ્યાં ‘નિનાદ’
ચાંદ આખી રાત શું કરતો હશે ?

સાભાર :  નિનાદભાઇ.


14 comments May 12, 2007

સૈયર, શું કરિયેં ? - અનિલા જોષી.

કોયલ ટહુકે સવારના
            ને સાંજે કનડે યાદ
                        સૈયર, શું કરિયેં ?

આંખોમાં છે ફાગણિયો
            ને પાંપણમાં વરસાદ
                        સૈયર, શું કરિયેં ?

ઊંઘમાં જાગે ઉજાગરો
            ને સમણાંની સોગાદ
                        સૈયર, શું કરિયેં ?

મૂંગામંતર હોઠ તો મારા
            ને હૈયું પાડે સાદ
                        સૈયર, શું કરિયેં ?

પિયર લાગે પારકું
            કે સાસરિયાંનો સ્વાદ
                        સૈયર, શું કરિયેં ?

પગમાં હીરનો દોર વીંટાયો
            ને ઝરણાંનો કલનાદ
                        સૈયર, શું કરિયેં ?

તનમાં તરણેતરનો મેળો
            ને મનમાં છે મરજાદ
                        સૈયર, શું કરિયેં ?


9 comments May 3, 2007

તપસ્યા - જશુબહેન બકરાણીયા.

વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.

ઓ ! હ્રદય તું કેમ કરીને સાચવીશ,
લાગણીઓ ફાંટો ભરી ભરીને મળી છે.

મનુષ્ય હું પણ હતો સાવ અલ્પ સમો,
પૂર્ણની પૂર્ણતા તેમાં ભળી છે.

સંતુષ્ટ છું ‘જશુ’ ખુબ અંદર બહાર,
મને બે અમી ભરેલી આંખડી મળી છે.

વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.

સાભાર  :  જશુબહેન ( કવિતાનું સરનામું  :  સંપાદન:  ડૉ. કૃપા ઠાકર )


7 comments April 30, 2007

શ્યામ - દિલીપ રાવલ.

રાધાની ઓઢણીએ સોનેરી તાર,
અને મીરાંને હાથ એકતારો ;
તાર તાર સાથ એક વાતનો વિવાદ,
બોલ, શ્યામ હવે તારો કે મારો.


4 comments April 13, 2007

ટેવ - હિતેન આનંદપરા.

                  તને ખોટું જો લાગે તો હું શું કરું ?
                                    મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને
મને ઝરણાનાં પાણી દે અમથા જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને
                  તને ભીનું ન લાગે તો હું શું કરું ?
                                    મને કોરુંકટ રડવાની ટેવ.

રંગરંગી પતંગિયાની સાથે રહીને કદી ઊડવાની કલ્પના કરી છે ?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે ?
                  તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
                                    મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઇ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો
                  તારે કહેવી હો હા ને તોય તું શું કરે
                                    તને ના રે ના કરવાની ટેવ.


6 comments April 8, 2007

પાગલ થઇ ગઇ - પન્ના નાયક.

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
                        એવી પાગલ થઇ ગઇ,

હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં ;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.


8 comments March 28, 2007

કાગળ - સુરેશ દલાલ.

ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
એક એક શબ્દની ડાળી પર ઝૂલું ને ધરતી પર અવતરે ગગન.

            હવે આખો દિવસ ગીત ગુંજ્યા કરીશ
                        અને રાતે હું તો સપનાંની નાવમાં,
            વાત મારી ઘૂમટો તાણી બેઠી છે
                        મને પૂછો નહીં પાગલ કિયા ભાવમાં ?

મારી શય્યા પર ઓશીકાને થાય છે રોમાંચ અને ઓઢવાનું ઝંખે એક જણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
           
            આખી દુનિયા હવે વ્હાલી લાગે :
                        મારી મુઠ્ઠીમાં ચાંદની ને તડકો,
            હોઠને કહું કે હવે રહેવાનું ચૂપ
                        તો આંખમાંથી છલકે ઉમળકો.

કેમ કરી કેવી રીતે સંભાળું મને : મારી ફરકે છે ડાબી પાંપણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.


7 comments March 22, 2007

Previous Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

May 2008
M T W T F S S
« Sep    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Meta