Posts filed under 'ગઝલ'

ગિરનાર :: ઉર્વીશ વસાવડા

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

2 comments December 13, 2009

સમય :: આહમદ મકરાણી

Alone_Boy

જીવતરના   કાંગરે  ખરતો   સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.

બંધ  ચંદો  હોય  ભલે  ઘડિયાળનો ;
મોજથી   કાંટા   પરે   ફરતો   સમય.

ઓસબિંદુમાં      જરી       ઝિલાઇને ;
જિંદગીના  પુષ્પથી  ઝરતો  સમય.

જન્મ  ને  મૃત્યુતણાં  પગલાં  સુધી ;
પૂર્ણ મારી  આ  સફર  કરતો  સમય.

નામ   તેનો   નાશ  એ   કરતો  રહે ;
તોય  જુઓ  ના  કદી  મરતો  સમય.

7 comments May 17, 2009

ગુમાવીને :: કિરણ ચૌહાણ

autumn_leaf

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઇને જઇ શક્યું દરિયો ઉઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઇ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને…..

4 comments April 19, 2009

આસપાસ :: અંકિત ત્રિવેદી

spring_blossom_1

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…..

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…..

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…..

10 comments April 5, 2009

યાદ :: નિનાદ અધ્યારુ

abs_sunset1

એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.

એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની,
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.

આવે છે યાદ એની બસ એટલું હું જાણું,
પૂછો નહીં કે ક્યારે, શું કામ યાદ આવે.

બે દિલને જ્યારે મળતો હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.

ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.

હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને,
‘નિનાદ’ એ જ ચહેરો બેફામ યાદ આવે.

7 comments March 8, 2009

બીજું શું ? :: ખલીલ ધનતેજવી

flowers1

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?

scan00011

2 comments March 1, 2009

તું લખ ગઝલ :: આહમદ મકરાણી

scan0001

વેદ ને કુરાનની વાતો પછી -
જાત જો સમજાય તો તું લખ ગઝલ…

શ્રી આહમદ મકરાણી સાહેબના ચોથા ગઝલ સંગ્રહ “તું લખ ગઝલ” નું વિમોચન
તા. 10-1-2009 નાં રોજ , ઉપલેટા ખાતે યોજાઇ ગયુ…

શ્રી ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ,તેઓશ્રીએ મુશાયરાનો દોર બહુ સરસ રીતે સંભાર્યો હતો…

મુશાયરાના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ નાણાવટી સાહેબે કહ્યુ કે ગુજરાતી ગઝલનાં
ઇતિહાસમાંથી ફક્ત 10 શેર ચુંટવાના થાય તો ….. શ્રી મકરાણી સાહેબનો આ શેર
તેમાં અચુક સ્થાન પ્રાપ્ત કરે…

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

આ પ્રસંગે આવેલ મહેમાનો માં શ્રી પ્રફુલ્લ નાણાંવટી, શ્રી ગોવિંદ ગઢવી,
શ્રી દેવેન શાહ, શ્રી અંજુમ ઉઝયાન્વી, શ્રી ઉર્વીશ વસાવડા, તથા
શ્રી મીરા આસિફ, સૌએ પોતપોતાની હ્રદયાકૃતિઓથી
રસિક શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા…

અહીંના એટલે કે ઉપલેટાનાં શબ્દલોકનાં સ્થાનિક કવિઓએ પણ મુશાયરામાં બહુ જ
સુંદર રંગ જમાવ્યો હતો…

શ્રી મકરાણી સાહેબ ના નૂતન ગઝલ સંગ્રહમાંથી હાલો હવે માણીએ

એક સુંદર રચના…

લટથી…

amit-face1

નજરને હટાવી લીધી એ તરફથી ;
અહીં આંગળાં દાઝવાનાં બરફથી.

પછી જંગલે એક અફવા ઊડી છે ;
મદારી જ પોતે ડરે છે સરપથી.

નહીંતર આ સહરા તપે આટલું ના ;
તપી એ ગયો છે સદા કૈસ-તપથી.

રહે આંગળાં એમ ફરતાં ભલેને ;
ન પકડાય ક્યારેય એ માત્ર જપથી.

ન તલવારનો ખપ, ન ખંજર ખપે છે ;
ઘણાં દિલ હણાતાં અહીં એક લટથી…

18 comments January 25, 2009

યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.

heart1

રંગ  જોયો –  રાગ  જોયો  ને  મને  ના ;
ફૂલ  જોયાં,   બાગ  જોયો  ને  મને  ના.

ઊંબરે  ઊભો  હતો  વરસો  લગી   હું ;
રેખ  જોઇ,   હાથ  જોયો  ને  મને  ના.

ડાઘ  લૈ  કેવા  અહીં  ફરતો  રહ્યો  છું ;
વસ્ત્ર  જોયા,   ઘાટ  જોયો  ને  મને  ના.

જિંદગીભર   ઝંખના  કરતો   રહ્યો  છું ;
શ્વાસકેરો   સાથ   જોયો   ને   મને  ના.

આ મિલનનો  પણ  અહીં  ઉત્સાહ  ક્યાં  છે !
યાદનો   સંગાથ   જોયો   ને   મને   ના.

2 comments December 21, 2008

ગઝલ બને :: આહમદ મકરાણી.

scan0002

દિલ અમારું કોઇ તોડે તો ગઝલ બને ;
છાતી ઉપર ક્રોસ ખોડે તો ગઝલ બને.

મસ્ત્ય માફક જિંદગી અવકાશમાં ફરે ;
કોઇ તાતાં તીર છોડે તો ગઝલ બને.

હોય સૂતા સોડ ઓઢી મૌન-પીર તો-
શબ્દશ્રીફળ કોઇ ફોડે તો ગઝલ બને.

સાવ સીધાં ને સરલ મોજાં નથી ગઝલ ;
જાતને ઊંડે ડૂબાડે તો ગઝલ બને.

છે ઇબાદત, બંદગી, બંદાતણું નમન ;
ઇશ સાથે જાત જોડે તો ગઝલ બને.

269023845_734160d0a3_o

તેમના પરિચય માટે અહીં ક્લીક કરો…

તેમનો નવો ગઝલ સંગ્રહ ‘તું લખ ગઝલ’
મેળવવા અહીં સંપર્ક કરો…

શ્રી આહમદ મકરાણી,
‘મા મરિયમ મંઝિલ’
ગુરુનાનક શેરી,
સિંધી માર્કેટ પાસે,
ઉપલેટા : 360490
મો.: 98792 47509.

11 comments December 7, 2008

વિરાસત ફૂલની :: મીરા આસીફ.

ગત મહિને અમો એ શબ્દલોકમાં 
ભાવનગરનાં કવિશ્રી મીરા આસિફ ને માણ્યાં હતાં…

ચિત્રમાં – જમણીબાજુથી શ્રી રાણીંગાસાહેબ, આમંત્રિતમહેમાન શ્રી મીરા આસિફ અને
શ્રી મકરાણી સાહેબ તથા રસિક શ્રોતાગણ…
1

કેમ સમજાવું નજાકત ફૂલની ?
યાદની મોસમ ઇનાયત ફૂલની !

એમને ઘેરી વળ્યાં કાંટા છતાં,
કેટલી મ્હેકેં વિરાસત ફૂલની !

સ્પર્શવાને વલવલે આઠે પ્રહર,
કેમ કરવી લે હિફાઝત ફૂલની ?

વાત મારી એજ આખર એજ છે,
કોઇના સમજે ઇબાદત ફૂલની !

રોજ જે અણસાર થઇ ખીલ્યા કરે,
એજ તો ગમતી કરામત ફૂલની !

આપણું મળવું હવે મુશ્કેલ છે,
ભીંત જેવી છે અદાવત ફૂલની !

આભાર…

21

6 comments December 1, 2008

Previous Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

RAGESH H. GAJJAR on એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું…
ajitsinh zala,naraya… on Gujarati blog world
sudhir patel on ગિરનાર :: ઉર્વીશ વસાવડા…
vijay rohit on Gujarati blog world
vikram on કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta