
જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.
સૌ કહે છે કે બધું બદલી ગયું,
ને ખરેખર તો હતું એ એમ છે.
આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં –
હર કસોટી તો ખુદાની રહેમ છે.
કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
February 16, 2007

તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે ?
હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે ?
કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે ?
મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે ?
February 8, 2007

તારી નજર મારી નજર,
આપણે બન્ને તર-બ-તર.
તું સંભવે મારા વગર ?
હું સંભવે મારા વગર ?
ઘટના ઘટી ઘટ ભીતરે,
જાણે થયું મન માનસર.
સમરસ બધે હોવાય છે,
લોપાઇ ગઇ સઘળી અસર.
છે એક સાગર ઊછળતો,
ભાસે અલગ એની લહર.
ના યાચના, ના પ્રાર્થના,
આનંદ બસ, આઠે પ્રહર.
January 31, 2007

મેં મને મૂકી દીધો છે દાવમાં ;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.
માગવાનું એમણે જ્યારે કહ્યું -
વેદના માગી હતી સરપાવમાં.
ના બદલ્યો હું, ન મારી આ દશા ;
ફેર જોયો કોઇના વર્તાવમાં.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઇ દરિયો નાવમાં.

January 30, 2007

સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !
નખશિખ કવચ ધરી શું કરિયેં,
આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ
ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે
તરણાની તાકાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું
હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે,
સાજનની સોગાત અલગ છે !
ભરી સભામાં એક એમની
વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ
પોત અલગ છે, ભાત અલગ છે !

January 10, 2007

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
# કવિ પરિચય.
January 7, 2007

(1) મારો અભાવ…
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
***
(2) જેવું લાગે છે…
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

December 29, 2006
અબ્બાસ અબ્દુલઅલી વાસી.

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

# કવિ પરિચય.
December 26, 2006

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે
ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે
ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે
હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે
કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.
December 18, 2006

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,
કો અણગમતી રમત રમવી પડી છે.
મે ટૂંપી છે ખચિત મારા જ હાથે,
કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.
હતી બક્ષિસ તમારી – ‘ઝિન્દગાની’,
ગમે તેવી તો જીરવવી પડી છે.
વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે,
હ્રદયમાં આગ પણ ખમવી પડી છે.
December 14, 2006