Posts filed under 'ગઝલ'

અમે - જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર.

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.


1 comment December 18, 2006

પડી છે - ‘સાબિર’ વટવા.

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,
કો અણગમતી રમત રમવી પડી છે.

મે ટૂંપી છે ખચિત મારા જ હાથે,
કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.

હતી બક્ષિસ તમારી – ‘ઝિન્દગાની’,
ગમે તેવી તો જીરવવી પડી છે.

વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે,
હ્રદયમાં આગ પણ ખમવી પડી છે.


3 comments December 14, 2006

ચાંદની ફેલાઇ ગઇ - ‘ઓજસ’ પાલનપુરી.

મોટામિયાં અલીમિયાં સૈયદ.
( 25-07-1927 :: 04-10-1968 )

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઇ ગઇ ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઇ ગઇ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઇ ગઇ ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઇ ગઇ.

આત્મા પરમાત્માને, દેહ માટીનો દીધો,
જે મતા જેની હતી એને બધી સોંપાઇ ગઇ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ધસારો જોઇને ગભરાઇ ગઇ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઇ ગઇ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઇ ગઇ.


1 comment December 13, 2006

અહમ્ - ઉર્વીશ વસાવડા.

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે

વાત ખાલી હાથની કોને કરું
અહીં સિકંદરની હજારો લાશ છે

સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?

એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે

મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.


4 comments December 11, 2006

તું ઝરૂખેથી જરા ડોકાય છે - દિલેરબાબુ.

તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે.

તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે…


5 comments December 5, 2006

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે - મરીઝ.

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?


4 comments November 30, 2006

બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 )

(1) મહોબ્બતમાં હવે…


મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. 

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

(2) સપના રૂપેય આપ…

સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;
ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

+ આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો : ટહુકો.


4 comments November 25, 2006

પ્રિય ને તુજ નામ વચ્ચે - હિતેન આનંદપરા.

પ્રિય ને તુજ નામ વચ્ચે મિત્ર લખવાનો વખત આવી ગયો,
એક શબ્દનો વધારો કાળજા પર ડામ ઊંડા દઇ ગયો.

મિત્ર શબ્દના નીકળતા અર્થ વિશે માન છે, પણ શું કરું ?
આમ આવીને વચોવચ કંઇ જ પણ સમજ્યા વિના બેસી ગયો.

કેમ આ સંબંધના બદલાવથી બદલાય છે સંબોધનો ?
પ્રશ્ન મેં એક જ ફક્ત પૂછ્યો તને એ પણ નિરુત્તર રહી ગયો.

અલ્પવિરામે ઘણીયે રાહ જોઇ તે છતાં જન્મ્યું નહીં,
નામ જ્યાં તારું લખ્યું ત્યાં પત્ર આખો ટાંક પર અટકી ગયો.

પેન અટકે શાહી છાંટું ને અચાનક લોહીના છાંટા ઊડે,
એક માણસ પેનની શાહી સમો અધવચ્ચેથી ખૂટી ગયો.


3 comments November 23, 2006

અતીત - અમૃત ‘ઘાયલ’ અને પ્રતિકૃતિ - નિર્મિશ ઠાકર


અતીત - અમૃત ‘ઘાયલ’             પ્રતિકૃતિ          કવિ સંમેલનમાં - નિર્મિશ ઠાકર.

મેઘધનુષના જીવનમાં રંગ હતા,                              અન્ય કવિઓ બધા કઢંગ હતા,
મન વિશે પણ વિવિધ ઉમંગ હતા.                            મન વિશે પણ વિવિધ ઉમંગ હતા.

અતિ સુંદર સમયના ઢંગ હતા,                                 શાલ, ઝભ્ભા ને ઝૂલતા ઝોળા !
પર્વ જેવા બધા પ્રસંગ હતા.                                     પર્વ જેવા કશા પ્રસંગ હતા.

એકબીજાનાં જાણે અંગ હતા,                                    એકબીજાનાં જાણે અંગ હતાં,
માનવી ખૂબ અંતરંગ હતા.                                       માઇક સાથે કવિ સળંગ હતા.

ઓસમાં સૂર્યનો હતો અણસાર,                                  ક્યાંક તાળી પડી પઠન-મધ્યે,
બિન્દુમાં સિન્ધુના તરંગ હતાં.                                    બિંદુમાં સિંધુના તરંગ હતાં.

કમ નહોતો પ્રતાપ ફૂલોથી,                                       દાવ લેવા હતા ઘણા તત્પર,
બહુ પ્રતાપી સ્વયં પતંગ હતાં.                                  બહુ પ્રતાપી સ્વયં પતંગ હતા.

ઘૂમતાં’તાં સદાય વાદળમાં,                                      બારીએથી ઊડી ગયા શ્રોતા ?
વીજ જેવાં ચપળ વિહંગ હતાં.                                   વીજ જેવાં ચપળ વિહંગ હતાં.

લોહીમાં કૂદા-કૂદ કરતાં’તાં,                                        હું જ બોલું-ની ખેંચતાણોમાં -
ઓરતા શું હતા કુરંગ હતા.                                        ઓરતા શું હતા કુરંગ હતા !

કોઇ સીમા નહોતી અચરજની,                                   કોઇ સીમા નહોતી અચરજની,
આ ચતુર આયના ય દંગ હતા.                                 ફાટતાંવેંત ઝભ્ભા દંગ હતા !

હુંય ‘ઘાયલ’ હતો પવનવેગી,                                     હુંય ઘાયલ હતો કવિરૂપે !
મારી આ રાંગમાં તુરંગ હતા.                                     ગાંઠતા ક્યાં કોઇ તુરંગ હતા ?


7 comments November 9, 2006

તમે જો સાથ દેશો - બરકત વિરાણી ‘બેફામ’

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જશે.

જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.

ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.

મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ,
તને એ ડર કે તારી વાત કોઇ સાંભળી જાશે.

કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.

જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે,
કોઇ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.

રહી જશે પ્રહારો ઝીલનારા એકલો ઊભા,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.

સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.


4 comments November 6, 2006

Next Posts Previous Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta