Posts filed under 'લોકગીત - દુહા'

સોના વાટકડી રે - લોકગીત.

સોના  વાટકડી  રે  કેસર  ઘોળ્યાં,  વાલમિયા,      
લીલો  છે  રંગનો  છોડ,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

પગ  પરમાણે  રે  કડલાં  સોઇં,  વાલમિયા,
કાંબિયુંની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

કેડ  પરમાણે  રે  ઘાઘરો  સોઇં,  વાલમિયા,
ઓઢણીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

હાથ  પરમાણે  રે  ચૂડલા  સોઇં,  વાલમિયા,
ગૂજરીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

ડોક  પરમાણે  રે  ઝરમર  સોઇં,  વાલમિયા,
તુળસીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

કાન  પરમાણ  રે  ઠોળિયાં  સોઇં,  વાલમિયા,
વેળિયાંની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.

નાક  પરમાણ  રે  નથડી  સોઇં,  વાલમિયા,
ટીલડીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.


2 comments August 21, 2006

હેમુ ગઢવી.

મિત્રો ,

ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.

હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,, 
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.


3 comments August 20, 2006

મારી સાહેલીનું બેડલું…

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું –
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું - 
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…

મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું -
                                           છલકાતું આવે બેડલું…


3 comments August 10, 2006

લોકગીત.

હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.


3 comments July 25, 2006

લોકગીત.

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !


3 comments July 18, 2006

Next Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta