
ફાગણ આવ્યો કે સખી, કેશુ ફૂલ્યાં રસાળ ;
હ્રદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ ;
અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ ;
કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.
અબીલ ગુલાલ ઊડે ઘણાં, વાગે તાલ મૃદંગ ;
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.
તરુવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસૂડાં વન ;
અમો અબળાને એ ઘટ્યું, મરવું મુંઝાઇ મન.
વેરી વિધાતાએ લખ્યો, વ્હાલા તણો રે વિજોગ ;
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.
# હોળી ના રંગીન પર્વ પર સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…
March 4, 2007

ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ
બની ગઇ હવા દીપ ઠરવાનું કારણ
હું કારણના જંગલમાં ભટક્યા કરું છું
છે મુઠ્ઠીનો ખાલીપો ભરવાનું કારણ
ન સંભળાય કોઇનો ઝાંખો ય પગરવ
તો ભીંતો ! છે શું કાન ધરવાનું કારણ ?
હું આંખોને શા કારણે છેતરું છું ?
છે શું લીલા પર્ણો ચીતરવાનું કારણ ?
હું પારાની માફક વીખેરાઇ બેઠો
છે કોઇનો ખોબો નીતરવાનું કારણ
સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને
મળે છે જ ક્યાં પર્ણ ખરવાનું કારણ ?
March 2, 2007

ગુનો શું છે ખબર ક્યાં છે સજા પૂરી નથી થાતી,
અમારા ભાગ્યવશ આ દુર્દશા પૂરી નથી થાતી.
બચ્યું એકે નથી ટીપું પીવાનું મયકદામાં પણ
બધા મયકશ કહે છે કે મજા પૂરી નથી થાતી
સ્વભાવે હોય ફરીયાદી એ ફરિયાદી જ રહેવાનો
કબરમાં જઇ કહેશે કે જગા પૂરી નથી થાતી
લખી છે વાત એની એ બધાં પાને, બધા યુગમાં
છતાં કૌતુક છે માનવની કથા પૂરી નથી થાતી
જગતનાં પાપ પુણ્યોના હિસાબો જોઇ લાગ્યું કે
મૂડી સત્કર્મની ખાતે જમા પૂરી નથી થાતી.

February 28, 2007

પામી શકાય ક્યાંથી કહો પાર શબ્દનો ?
ઇશ્વર જેટલો જ છે વિસ્તાર શબ્દનો.
એ આવતો નથી બહાર કદી સાચા અર્થમાં,
જે નીકળે છે એ તો છે વ્યવહાર શબ્દનો.
એને નહીં નડે પછી અર્થોનું આવરણ,
થઇ જાય પરિચય જો કોઇ વાર શબ્દનો.
તો હાસ્ય કે રૂદનરૂપે એ વ્યક્ત થૈ જશે,
જીરવી નહીં શકે જો હ્રદય ભાર શબ્દનો.
એ વાત છે જુદી કે તમે સાંભળો નહીં,
નહીંતર સતત થયા કરે સંચાર શબ્દનો.
આ કોણ આવા શબ્દ અહીં વેરતું ગયું ?
મ્હેંકી રહ્યો છે જાણે કે ગુલઝાર શબ્દનો.
February 25, 2007

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.
નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.
સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.
સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,
જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.
વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.
ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.
બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.
જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

February 21, 2007

નિજાનંદમાં
ગેલતી વિહરતી દેખાતી
માછલીએ
એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે
કે ખારો ખારો થઇ ગયો
આખો દરિયો ?
February 21, 2007

પહોંચે ભલેને ગમે તે સદીમાં,
કશો ફેર પડશે નહીં આદમીમાં.
નથી રંજ અંધારનો પણ હવે તો -
ઘણો પંથ ભટકી ગયા ચાંદનીમાં !
તમે ક્યા મુકામે અમોને ઉપાડ્યા ?
ન નેકીમાં જીવ્યા અમે ના બદીમાં,
કશું ભેદ જેવું રહેશે નહીં પણ,
હશે જો અસર તુજ દુવા બંદગીમાં !
અલંકાર પણ આવરણ થઇ જવાનાં -
ખરું રૂપ શોભે સહજ સાદગીમાં,
જગતમાં અગર ના મહોબ્બત રહે તો,
નથી જિંદગી જેવું કૈં જિંદગીમાં !
February 20, 2007

મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?
નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?
પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?
‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

February 18, 2007

જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.
સૌ કહે છે કે બધું બદલી ગયું,
ને ખરેખર તો હતું એ એમ છે.
આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં –
હર કસોટી તો ખુદાની રહેમ છે.
કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’
ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.
February 16, 2007

પહેલી પહેલી વાર કર્યો છે ;
હા, અમે પણ પ્યાર કર્યો છે.
આર કર્યો છે, પાર કર્યો છે ;
આંખોનો ઉદ્ધાર કર્યો છે.
પ્રેમમાં એના બોળી-બોળી,
દિલનો તારે-તાર કર્યો છે.
મેં કહી દીધું બધ્ધું એને,
એણે પણ એકરાર કર્યો છે.
ઊંડા ઊંડા જખ્મો દીધા,
ને કહે છે ઉપચાર કર્યો છે !
એમ જુએ એ મારી સામે,
જાણે કે ઉપકાર કર્યો છે !
‘નિનાદ’ બીજું તો શું જોઇએ ?
યાર જેવો મેં યાર કર્યો છે !
February 15, 2007