Archive for જુલાઇ, 2006
દિલમાં દીવો કરો રે… – રણછોડ (ઇ. 18મી સદી)
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
ભમરો – પ્રદ્યુમ્ન તન્ના.
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈ રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આટા ?
ફટ ભૂંડી ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું !
રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ.
અવિનાશ વ્યાસ. ( 21-07-1911 : 20-08-1984 )
રાખનાં રમકડાં,
મારા રામે રમતાં રાખ્યાં રે;
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે.
… રાખનાં રમકડાં.
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે.
… રાખનાં રમકડાં.
હે…કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા.
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે !
… રાખનાં રમકડાં.
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ !
… રાખનાં રમકડાં.
કવિ છગન શાકમારકિટમાં – અનિલ જોશી. ( 28-07-1940 )
એક સવારે થેલી લઇને છગનો નીકળ્યો બહાર રે …
પંદર કિલો સૂરણ લીધું, આઠ કિલો જુવાર રે …
મારકિટેથી પાછા વળતાં ચંપલપટ્ટી તૂટે રે …
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …
દસે દિશાથી હૉર્ન વાગતાં વાહન સઘળાં થંભે રે …
ટ્રાફિક જામનું કારણ થઇને છગન પડ્યો ખોરંભે રે …
અગડંબગડં ચાલ ચાલતો ટ્રાફિકના હડસેલે રે …
ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …
થેલી મૂકી, ચશ્માં લૂછ્યાં, કરી ચૂંચરી આંખ રે …
વૃક્ષ વગરના ગામે જાણે ખગની ફફડે પાંખ રે …
પવન હલાવે કાગળિયાં એમ છગન હલાવે પગ્ગ રે …
સૂરણસોતી થેલી ઊંચકી ચાલ્યો ડગડગ પગ્ગ રે …
એક હાથમાં થેલી સોહે બીજા હાથમાં આંટો રે …
ઊભી બજારે છગનો જાણે હોય વજનનો કાંટો રે …
છગન પગરખાં ઘસડી ચાલે, લોક મળે તે પૂછે રે …
’કેમ છગનિયા, પરસેવો નીતરે છે તારી મૂછે રે’ …
છગન ખભાથી પરસેવો લૂછીને આગળ ચાલે રે …
તરબૂચવાળો બરકે : ‘લઇ જા, પૈસા આપજે કાલે રે’ …
એવામાં એક કૂતરું દોડ્યું, છગન ભયો લાચાર રે …
લોક શિખામણ દેવા દોડ્યા : આનો એક ઉપચાર રે …
કૂતરું મળતાં શાણા થઇને પકડી લેવી ચૂપ રે …
‘હૈડ’ કહેતાં જે ખસે નહીં ઇ કૂતરું જોખમીરૂપ રે …
ઊંટ ઉપર છેલ્લાં તરણાં શી મળી શિખામણ ભારે રે …
ઓબ્જેક્ટિવલી ભફાંગ દઇને પડ્યો છગન્ન બજારે રે …
છગન કહે : ‘હું લૉસ્ટ પ્રોપર્ટી જેમ પડ્યો સરનામે રે …
ખાતરી આપી કોઇ ન આવ્યું લેવા મને ગોદામે રે’ …
આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …
છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …
માફી રે માગજો – પીંગળશી ગઢવી ( 27-07-1914 )
(એની) માફી રે તમે તો સૌ માગજો પવીતર થાજો ધોઇ પાય,
અંતર મેલાંને કરો ઊજળાં જોગીડો માગે છે જવાબ.
કર બે હતા પણ કામ નો કર્યાં, પાંવ રે હતા તે ખેડ્યા નહિ પંથ,
જીભ રે હતી ને અસત ભાખિયા, આંખ્યું રે હતી ને ફર્યા થઇ અંધ.
માફી રે શ્રવણ કરી માગજો, સુણ્યો નહિ ગરીબોનો સાદ,
લક્ષ્મીદેવીને પાયે લાગજો દીધી નહી દુઃખિયાને દાદ.
કલમશાહીની માફી રે માગજો લખ્યા હોઇ ખોટો ચોપડામાં લેખ,
સહી રે લઇને અભણ છેતર્યાં, માથે ખોટ સાક્ષી મેખ.
વ્યાજ રે ખાધાં હોય જો વાણિયા, તોળવામાં કીધા ખોટા તોલ,
હજારો નફો રે કીધો હરામનો, અંતે તારા હ્રદિયાને ખોલ.
કણના કોઠારે કીધા સંઘરા, આપ્યાં નહીં ભૂખ્યાંને અનાજ,
વાટું રે જુએ છે કપરા કાળની, ને ખાધા પેટ ભરીને સમાજ.
માફી રે ભૂમિની માગતી, પ્રાચીન કીધાં તજી રાજપાટ,
શ્રીમંત હજી કાં નવ ચેતતા ? ઉઘાડો ને દીધેલાં કબાટ.
હિસાબ લેવા રે દખણ દેશનો આવ્યો છે બાવલિયો અવધૂત,
સોંપી રે દિયો ને કાળા ચોપડા, ભડકા થાશે નહીંતર ભૂત.
અણ રે સમજ થઇ અંધને, દોહ્યલું કઘાટું લાગ્યું અરે દૂધ,
આવું રે ગળે આ ક્યાંથી ઊતરે, સઘળી ખવાઇ ગઇ છે સૂધ.
પીંગળશી કે’ હજી પરિયાણમાં બેઠા કાં થઇ ને બધિર,
વેળા રે રે’શે નહીં એકેય વાતની, તાણિયાં છે કાળે જબરાં તીર.
જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’.
મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’ . ( 26-07-1914 : 09-04-1972 )
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
ચાહવું એટલે – દુર્ગેશ ઉપાધ્યાય. ( 25-07-1954 )
તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
લોકગીત.
હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
એક સાક્ષરને એવી ટેવ – દેવકૃષ્ણ પીતાંબર જોશી ( 05-01-1892 )
એક કટાક્ષ કાવ્ય.
એક સાક્ષરને એવી ટેવ…
એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.
જ્ય્હાં ત્ય્હાં ક્ય્હાંનાં કૌતક કરે; નોંધ લૈ ડાયરીઓ ભરે.
કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.
સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુણે સભા ને દોડ્યૂ જાય, વણબોલ્યો ઊભો થાય.
લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.
સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
પૂછે કોઇ કવિ સારો કોણ ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે !
પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગડતા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
તુલસીદાસ ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.
નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર !
દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર ?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર !
કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્ર્લાઘા સૌમાં કરે
! તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.
બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા !
બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા !
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક.
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
મિત્રોના પ્રતિભાવ