Archive for જુલાઇ 13, 2006
તમારી યાદ આવે છે – મધુકર રાંદેરિયા.
કળી લાજાળ માંડે છે ચરણ યૌવનના ઉંબર પર,
નજર ચુકવી નજર માંડી લિયે છે એ મધુકર પર.
પ્રથમ મિલને મધુર સૌ રાગ બાજે છે જીવન-બીન પર,
પ્રથમ સ્પર્શે વળી આકાશ ઊતરે છે ધરા ઉપર.
પછી તો રાત આવે છે ને શમણાં સાથ લાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.
રૂપાળી સાંજ જ્યાં રમણે ચડે છે વ્યોમના પટ પર,
વહે છે મંદ વાયુ, કંપ પ્રગટે છે સરોવર પર.
અને અકાંઇ જાયે છે પ્રણયલિપિ કમલદલ પર,
ભ્રમર લપટાઇ લેટી જાય છે એના હ્રદય ઉપર.
કે મનની મોજ જગની લાજને જ્યારે ભુલાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.
ચહકતું કોઇ બુલબુલ ગીત મીઠું કોઇ ગુલના પર,
ફરે છે ફેરફૂદડી કોઇ પરવાના શમા ઉપર;
થતું કો મુગ્ધ મૃગલું લુબ્ધ સ્વરના સમ્ય સર્જન પર,
સમુંદર મસ્ત થૈને ઘૂઘવે છે ચન્દ્રી-દર્શન પર.
હ્રદયરસ એકતા જ્યાં લીનતા આવી જગાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.
સરિતા જાય વંકાઇ સમંદરથી અવળ-પથ પર,
વિછોડી વૃક્ષને વેલી વરસતી વ્હાલ પથ્થર પર.
કે ચાતક મીટ પણ ના માંડતું સ્વાતિ-સલિલ ઉપર,
ગગનની વીજળીને વેર પણ બંધાય વાદળ પર.
સકલ જગના નિયમમાં જ્યાં પ્રણય હલચલ મચાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.
સમુંદર ક્ષુદ્રભાવે શંખલાને ફેંકતો તટ પર,
ગગન પણ તારકોને ખેરવી દેતું ધરા ઉપર.
કમલ નિર્લેપ લઇ રહેતું ઢળી જાનાર ઝાકળ પર,
રૂઠી જાતો ઋતુનો રાજવી વિણ વાંક કોયલ પર.
કે જેને ઝંખતું જે તે જ તેને જ્યાં જલાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.
મિત્રોના પ્રતિભાવ