Archive for જુલાઇ 16, 2006
હાં આં…..આં હાલાં !
સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું.
હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !
હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હાલાં !
(વધુ…)
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી – દાદ.
ભીંત્યું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંત્યું…
ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંત્યું…
ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંત્યું…
ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંત્યું…
પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંત્યું…
‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ વાત્યું છે વીગતાળી…
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.
– દાદ.
કાજળભર્યાં નયનનાં – અમૃત ‘ઘાયલ’
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
– અમૃત ‘ઘાયલ’ , અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ (30-09-1915 : 25-12-2002)
મિત્રોના પ્રતિભાવ