Archive for જુલાઇ 24, 2006
એક સાક્ષરને એવી ટેવ – દેવકૃષ્ણ પીતાંબર જોશી ( 05-01-1892 )
એક કટાક્ષ કાવ્ય.
એક સાક્ષરને એવી ટેવ…
એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.
જ્ય્હાં ત્ય્હાં ક્ય્હાંનાં કૌતક કરે; નોંધ લૈ ડાયરીઓ ભરે.
કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.
સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુણે સભા ને દોડ્યૂ જાય, વણબોલ્યો ઊભો થાય.
લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.
સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
પૂછે કોઇ કવિ સારો કોણ ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે !
પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગડતા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
તુલસીદાસ ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.
નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર !
દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર ?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર !
કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્ર્લાઘા સૌમાં કરે
! તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.
બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા !
બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા !
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક.
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
મિત્રોના પ્રતિભાવ