Archive for જુલાઇ 25, 2006
જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’.
મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’ . ( 26-07-1914 : 09-04-1972 )
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
ચાહવું એટલે – દુર્ગેશ ઉપાધ્યાય. ( 25-07-1954 )
તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
લોકગીત.
હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
મિત્રોના પ્રતિભાવ