Archive for જુલાઇ 31, 2006
દિલમાં દીવો કરો રે… – રણછોડ (ઇ. 18મી સદી)
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
ભમરો – પ્રદ્યુમ્ન તન્ના.
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈ રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આટા ?
ફટ ભૂંડી ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
બ’ઇ ! આ ભમરાને ક્યમ કાઢું !
મિત્રોના પ્રતિભાવ