દિલમાં દીવો કરો રે… – રણછોડ (ઇ. 18મી સદી)
જુલાઇ 31, 2006 at 6:18 પી એમ(pm) 1 comment
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
Entry filed under: કવિતા.
1.
manvant | જુલાઇ 31, 2006 પર 9:15 પી એમ(pm)
છેક અઢારમી સદીનો કવિ રણછોડ તદ્દન નર્મદની જેમ
કેટ્લો સુંદર ઘર સંભાળીને દિલમાં જ દીવો પેટાવવાનું
સમજાવે છે !
વળી સાચા દિલથી કામ,ક્રોધ ત્યજી,દયા લાવી,બ્રહ્માગ્નિ
ચેતાવવાથી જન્મ-મરણનું તાળું ઉઘડે છે ……..કેટલો
ભારે સનાતન ઉપદેશ ! આભાર અમિતભાઈ !સારી શોધ છે.