Archive for જુલાઇ, 2006

અમારી જિંદગી – સૈફ.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– સૈફ પાલનપુરી ( 30-08-1923 : 07-05-1980 )

જુલાઇ 22, 2006 at 2:08 પી એમ(pm) 3 comments

તમારાં અહીં આજ પગલાં થવાનાં – ગની દહીંવાલા.

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી –
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.

– ગની દહીંવાલા ( 17-08-1908 : 05-03-1987 )

જુલાઇ 20, 2006 at 11:20 એ એમ (am) 5 comments

ઓ હ્રદય – બેફામ.

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– ‘બેફામ’ , બરકત વીરાણી ( 25-11-1923 : 02-01-1994 )

જુલાઇ 19, 2006 at 11:45 એ એમ (am) 10 comments

લોકગીત.

લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !

રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

જુલાઇ 18, 2006 at 2:37 પી એમ(pm) 3 comments

મૌનનો સહકાર – જયન્ત વસોયા.

જેટલો આકાશનો વિસ્તાર છે,
એટલો મુજ શબ્દનો વ્યાપાર છે.

દર્પણોમાં જોઇને થાકી ગયો;
થાય છે કે બિંબ પણ હદપાર છે.

લાગણીને ત્રાજવે તોળી જુઓ;
સાવ હળવી યાદમાં પણ ભાર છે.

કઇ દશામાં હું શ્વસું છું – શી ખબર ?
છે મજા – કે મૌનનો સહકાર છે.

જુલાઇ 17, 2006 at 5:40 પી એમ(pm) 6 comments

હાં આં…..આં હાલાં !

સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું.

હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હાલાં !
(વધુ…)

જુલાઇ 16, 2006 at 4:07 પી એમ(pm) 7 comments

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી – દાદ.

ભીંત્યું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંત્યું…

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંત્યું…

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંત્યું…

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંત્યું…

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંત્યું…

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

– દાદ.

જુલાઇ 16, 2006 at 12:25 પી એમ(pm) 2 comments

કાજળભર્યાં નયનનાં – અમૃત ‘ઘાયલ’

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે;
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે;
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

– અમૃત ‘ઘાયલ’ , અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ (30-09-1915 : 25-12-2002)

જુલાઇ 16, 2006 at 12:18 પી એમ(pm) 4 comments

નવું સ્વરૂપ

આજે અમીઝરણાને નવું સ્વરૂપ મળ્યું છે.

જુલાઇ 16, 2006 at 9:59 એ એમ (am) 6 comments

તમારી યાદ આવે છે – મધુકર રાંદેરિયા.

કળી લાજાળ માંડે છે ચરણ યૌવનના ઉંબર પર,
નજર ચુકવી નજર માંડી લિયે છે એ મધુકર પર.
પ્રથમ મિલને મધુર સૌ રાગ બાજે છે જીવન-બીન પર,
પ્રથમ સ્પર્શે વળી આકાશ ઊતરે છે ધરા ઉપર.
પછી તો રાત આવે છે ને શમણાં સાથ લાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.

રૂપાળી સાંજ જ્યાં રમણે ચડે છે વ્યોમના પટ પર,
વહે છે મંદ વાયુ, કંપ પ્રગટે છે સરોવર પર.
અને અકાંઇ જાયે છે પ્રણયલિપિ કમલદલ પર,
ભ્રમર લપટાઇ લેટી જાય છે એના હ્રદય ઉપર.
કે મનની મોજ જગની લાજને જ્યારે ભુલાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.

ચહકતું કોઇ બુલબુલ ગીત મીઠું કોઇ ગુલના પર,
ફરે છે ફેરફૂદડી કોઇ પરવાના શમા ઉપર;
થતું કો મુગ્ધ મૃગલું લુબ્ધ સ્વરના સમ્ય સર્જન પર,
સમુંદર મસ્ત થૈને ઘૂઘવે છે ચન્દ્રી-દર્શન પર.
હ્રદયરસ એકતા જ્યાં લીનતા આવી જગાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.

સરિતા જાય વંકાઇ સમંદરથી અવળ-પથ પર,
વિછોડી વૃક્ષને વેલી વરસતી વ્હાલ પથ્થર પર.
કે ચાતક મીટ પણ ના માંડતું સ્વાતિ-સલિલ ઉપર,
ગગનની વીજળીને વેર પણ બંધાય વાદળ પર.
સકલ જગના નિયમમાં જ્યાં પ્રણય હલચલ મચાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.

સમુંદર ક્ષુદ્રભાવે શંખલાને ફેંકતો તટ પર,
ગગન પણ તારકોને ખેરવી દેતું ધરા ઉપર.
કમલ નિર્લેપ લઇ રહેતું ઢળી જાનાર ઝાકળ પર,
રૂઠી જાતો ઋતુનો રાજવી વિણ વાંક કોયલ પર.
કે જેને ઝંખતું જે તે જ તેને જ્યાં જલાવે છે,
મને ત્યારે પ્રથમ પહેલી તમારી યાદ આવે છે.

જુલાઇ 13, 2006 at 4:24 પી એમ(pm) 5 comments

Older Posts Newer Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 281,519 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31