Archive for ઓગસ્ટ, 2006
એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 )
પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.
તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.
હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?
સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !
જય મંગલકર્તા.
જયદેવ જયદેવ, જય મંગલકર્તા, પ્રભુ…
સુખ શાંતિ શુભ ભર્તા, દુઃખ સંકટ હર્તા. જયદેવ…..
કરુણા સિંધુ કૃપાળુ, દયાદ્રષ્ટે જોશો, પ્રભુ…
અલ્પમતિ બાળકના, ક્ષમા કરો દોષો. જયદેવ…..
સત્ ચિત્ પરમાનંદ, ત્રિભુવનના સ્વામી, પ્રભુ…
પરદુઃખભંજન કહાવો, છો અંતરયામી. જયદેવ…..
ભીડ પડે ભગવંત, ધાય ભક્તની વહારે પ્રભુ…
દયા દયામય કરજો, શરણ અમે તમારે. જયદેવ…..
સાચા દિલથી દાસ, કરે નિત્ય સેવા, પ્રભુ…
ભૂલ ભૂલીને ભગવાન, ક્ષમા કરો દેવા. જયદેવ…..
ભક્તિભાવથી વંદન, કરું નિશદિવ તમને, પ્રભુ…
કૃપા કરી કરુણાળું, દો સન્મતિ અમને. જયદેવ…..
હરદમ હોઠે નામ, સમરું ગણરાયા, પ્રભુ…
હ્રદય-કમળમાં રહેજો, એ જ અભિલાષા, જયદેવ…..
એકદંતેશ્વર જગતાત, તાપ ત્રિવિધ હરજો, પ્રભુ…
પ્રણામ કરી કહીએ છીએ, કૃપાદ્રષ્ટિ હોજો. જયદેવ….
લઇને – મનોજ ખંડેરિયા.
સૂરજ છાતી સરસો લઇને
ભાદરવાના દિવસો લઇને
કોણ ઘસીને ચળકાવે આ –
તડકાનું કાંસું.
તપ્ત નગર ને રસ્તા સૂના
ઘર-છત-ઉંબર-ફળિયું ઊનાં
આવ્યા પ્હેલાં સુકાઇ જતાં
આંખોનાં આંસુ.
ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ? – ધીરેન્દ્ર મહેતા ( 29-08-1944 )
કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.
એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કૂવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી.
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.
કઇ આ દુનિયા, ક્યા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ?
યાચના – ઝવેરચંદ મેઘાણી.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ( 17-08-1896 :: 09-03-1947 )
મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઇંન્દ્રધનુષ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોક :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધકાર – પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.
સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે.
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઇ ન જાણું
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું
મારા મનનું કાંઇ ન ચાલે
કોરે કાગળ સહી
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં
સઘળું તેને સોંપી દઇને
કામ બધાં દઉં છોડી
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
કાનુડે વનમાં લૂંટી – મીરા.
કાનુડે વનમાં લૂંટી સખી !
મુને કાનુડે વનમાં લૂંટી.
હાથ ઝાલી મારી બાહ્ય મરોડી,
મોતીની માળા તૂટી.
આગળથી મારો પાલવડો સાહ્યો,
મહીની મટૂકી ઝૂંટી.
પાછળ પડે તેનો કેડો ન મૂકે,
નાસી શક્યાં નહીં છૂટી.
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કહીએ તો લોક કહે જૂઠી.
એક શરણાઇવાળો – દલપતરામ.
એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.
તું – પન્ના નાયક.
કોઇનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઇ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.
વ્હાલમની વાતો – ભાસ્કર વોરા. ( 12-08-1907 )
વ્હાલમ ની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
મિત્રોના પ્રતિભાવ