Archive for ઓગસ્ટ 5, 2006
શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ ( 21-01-1952 )
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.
પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.
ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.
દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.
શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?
ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !
મિત્રોના પ્રતિભાવ