Archive for ઓગસ્ટ 10, 2006
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક – પન્ના નાયક.
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક,
નહીં રાવ ફરિયાદ કશીયે નહીં રોક કે ટોક.
આવ્યા છો તો ભલે આવિયા
જવું હોય તો જાવ,
આવ્યાનો આનંદ અનેરો
નહીં વિરહના ઘાવ,
હરખઘેલા થવું નહીં કે નહીં મૂકવી પોક,
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક.
સૂરજ ઊગ્યો તો ભલે ઊગ્યો
ને રાત ઢળી તો ભલે,
સમય સમયના ચકરાવામાં
મળે, કશું નહીં મળે,
એકલતા, એકાંત મળે કે મળે અજાણ્યા લોક,
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક.
મારી સાહેલીનું બેડલું…
છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મિત્રોના પ્રતિભાવ