મારી સાહેલીનું બેડલું…
ઓગસ્ટ 10, 2006 at 5:03 એ એમ (am) 3 comments
છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું…
Entry filed under: લોકગીત - દુહા.
1.
manvant | ઓગસ્ટ 10, 2006 પર 3:33 પી એમ(pm)
માથે બેડલા સાથે મલપતી ચાલે ચાલી જતી
ગ્રામીણ નારીનું આબેહૂબ ચિત્ર મૂકવા બદલ
શ્રી.અમિતભાઇનો આભાર ! સુતારી.લુહારી,
રંગારી,કુંભારી,પિંજારી,ઘાંચીડા,મોતીઆરા,
પાસેની અપેક્ષાઓ પૂરી થયા બાદ દીકરીયું
પાસે ગરબો ગવરાવી,વહુવારુ પાસે ગરર્બો
ઝિલાવવાની કલ્પના અને પ્રક્રિયા કેટલી
સુંદર દીસે છે !રચયિતાને પણ અભિનંદન !
2.
shivshiva | ઓગસ્ટ 12, 2006 પર 11:53 એ એમ (am)
ગીત પણ સુંદર ચિત્ર પણ સુંદર
નીલા
3.
સિદ્ધાર્થ | ઓગસ્ટ 15, 2006 પર 9:39 પી એમ(pm)
સુંદર લોકગીત સાથે સુંદર ચિત્ર…
આ લોકગીત શ્રી કલહંસ પટેલ કે જેઓએ લોકસંગીત પર Phd કરેલ છે તેમના સ્વરમાં સાંભળવાની મજા જ કઈક ઓર છે.
સિદ્ધાર્થ