Archive for ઓગસ્ટ 24, 2006
એક શરણાઇવાળો – દલપતરામ.
એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.
તું – પન્ના નાયક.
કોઇનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઇ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.
મિત્રોના પ્રતિભાવ