Archive for ઓગસ્ટ 28, 2006
ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ? – ધીરેન્દ્ર મહેતા ( 29-08-1944 )
કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.
એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કૂવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી.
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.
કઇ આ દુનિયા, ક્યા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પોરવે મોતી જી ?
યાચના – ઝવેરચંદ મેઘાણી.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ( 17-08-1896 :: 09-03-1947 )
મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઇંન્દ્રધનુષ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોક :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધકાર – પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.
મિત્રોના પ્રતિભાવ