Archive for ઓગસ્ટ, 2006
સોના વાટકડી રે – લોકગીત.
[odeo=http://odeo.com/audio/2258141/view]
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાન પરમાણ રે ઠોળિયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
હેમુ ગઢવી.
મિત્રો ,
ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.
હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…
સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,,
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
અજાણી આંખડી – અમૃત ઘાયલ.
અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ ( 19-08-1916 :: 25-12-2002 )
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઇનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’
અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.
બંદર છો દૂર છે ! – સુંદરજી બેટાઇ.
સુંદરજી બેટાઇ ( 10-08-1905 :: 16-01-1989 )
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે !
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે !
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છો ને એ દૂર છે !
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે !
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
છોને એ દૂર છે !
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે;
બંદર છો દૂર છે !
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે !
સ્વજન સુધી – ગની દહીંવાલા.
અબ્દુલગની અબ્દુલકરીમ ( 17-08-1908 :: 05-03-1987 )
દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી ! કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો, હે અશ્રુઓ, ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઇએ જીવન સુધી.
જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
જય શ્રી કૃષ્ણ
શ્રાવણ વદે આઠમ મઘરાતે
ગોકુળ પ્રગટ્યો ગિરધારી
હરખ્યા નંદ જશોદા બેઉ
હરખ્યા છે સૌ નર – નારી
ઝાંજ પખાજ ના તાલે
સૃષ્ટી નાચે છે સારી
ગોપીને ગોવાળો ઘેલા
કાનુડા પર ગ્યા વારી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી.
સર્વે મિત્રો ને જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે. – ઉતારો…
કૂબડાને રૂપવંતા કીધા, વેદોને મનગમતાં લીધા,
અનેક દૈત્ય સંહાર્યા, ભક્તજનોના ફેરા ટાળ્યા ; – ઉતારો…
કૂબજા દાસી ચરણે રાખી, વેદવ્યાસ ઉગાર્યા રે,
કચ્છરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી. – ઉતારો…
નાગ નેતરે મંથન કરી, મેરુનો રવૈયો કરીને;
દેવ દૈત્યને સામા ધરીને, ચૌદ રત્નો કાઢ્યાં રે – ઉતારો…
ધાઇને ધનવંતો કીધો, વેગ કરીને શરણે લીધો;
જળમાં નારી ભોરિંગ પરણ્યા, જયકાર વરતાવ્યો રે. – ઉતારો…
નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો;
પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે – ઉતારો…
પરશુરામે ફરસી ફેરવી, પૃથ્વીને નક્ષત્રી કીધી;
સહસ્ત્રાર્જુનના હાથ કાપ્યા, ધેનુની વહાર કીધી રે. – ઉતારો…
ગઢલંકાનો કિલ્લો તોડ્યો, દશમસ્તકનો રાવણ માર્યો;
વિભીષણને રાજ આપ્યું, સીતાને વાળી લાવ્યા રે. – ઉતારો…
પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં;
કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે. – ઉતારો…
નવમે બુદ્ધા રૂપ ધરીને, અંજપાનો જાપ જપીને,
રણુંકારમાં રસિયા થઇને સૌ ભક્તોને તાર્યા રે. – ઉતારો…
દશમે તો દયા કરીને નામ નકલંકી રૂપ ધરીને,
આત્મરાજ્યસ્થિર કરશે ને, ભક્તોએ ગુણ ગાયા રે. – ઉતારો…
હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે.
શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…
તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
નૈં નૈં નૈં – સુન્દરમ્.
સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908 :: 13-01-1991 )
દેખાતું નૈં તેથી નૈં,
એ વાત ના સૈ, ના સૈ મારા ભૈ
દેખાતું નૈં તેથી નૈં.
દેખી દેખીને તું દેખે શું કેટલું
દેખ્યું તે સમજે શું કૈં ?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને,
કિંમત ના એની જૈં… દેખાતું નૈં તેથી…
રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી
દીઠો સૂરજ કદી ઘૂડ,
દરિયો સૂરજ તેથી ગપ્પાં ગણે તેને
ગણવા તે ઘૂડ ગળાબૂડ… દેખાતું નૈં તેથી…
સૂરજ તપે ત્યારે તારા બુઝાય અને
તારા તગે ત્યાં નહિ સૂર,
સમજું તે સાચું ને બકી બધું કાચું
એ તો પીધેલની વાત ચકચૂર… દેખાતું નૈં તેથી…
આંજણ પહેલાંની અને આંજણ પછીની આંખ
દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
તારાં ઉતારું સહું ઝેર… દેખાતું નૈં તેથી…
કોણ ? – જયેન્દ્ર શેખડીવાળા.
ધારો કે આંખ હો, કુંવારી કન્યકા
તો પાંપણે ફરક્યું તે કોણ ?
ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
તો હોઠ પર મલક્યું તે કોણ ?
ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મ્હેક્યું તે કોણ ?
ધારો કે મ્હેક્યું તે અષાઢી આભ
તો મન મૂકી ગ્હેક્યું તે કોણ ?
ધારો કે વરસ્યું તે નીંદરનું રાજ
તો ઝબકીને તરસ્યું તે કોણ ?
ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
તો મન મહીં થરક્યું તે કોણ ?
સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
મિત્રોના પ્રતિભાવ