પડકાર – શૂન્ય પાલનપુરી ( 19-12-1922 :: 17-03-1987 )
સપ્ટેમ્બર 11, 2006 at 11:32 પી એમ(pm) 6 comments
ડોલતા ભુજંગ માથે હાથ પસવાર્યો અમે;
આપની જુલ્ફોના સોગન, યમને પડકાર્યો અમે.
બહુ થયું તો લોહી સીંચી જાળવી તાજપ અસલ,
નકલી ફૂલોથી કદી ના બાગ શણગાર્યો અમે.
દિલ મહીં ખૂંપી ગયા, નાદાન ખીલા ક્રૉસના,
પ્રેમ કાતિલ થઇ ગયો તોપણ નહીં વાર્યો અમે.
એક અટારીનું અચાનક તૂટવું ભારે પડ્યું !
આમ તો ભૂકંપને પણ ક્યારે ગણકાર્યો અમે ?
ખાંધ પર સુખદુઃખની કાવડ, કરમાં ઝોળી ધૈર્યની,
‘શૂન્ય’ એ રીતે જીવનનો બોજ વેંઢર્યો અમે.
Entry filed under: ગઝલ.
1.
Ajay Patel | સપ્ટેમ્બર 11, 2006 પર 11:56 પી એમ(pm)
પ્રથમ વાર વાંચતા થોડી ગુંચવણ થઇ, શબ્દોની ઘડી ના ઉકેલાય ત્યાં સુધી મનને બેચેની લાગ્યા કરી, કોઇની મદદ લઇ ને એ શબ્દનો અર્થ મળ્યા પછી આખી ગઝલ બીજી બે વાર વાંચી અને પછી મગજની “ટયુબ લાઇટ ઝબકતી” થઇ.
હા – તાજપ એટલે તાજગી સમજમાં આવ્યા પછી જ આખી ગઝલની મજા અનુભવ્યો. “શૂન્ય” ની આ રચના માં જીવનમાં આવતી મુશ્કેલીઓ ના પડકારની વાત દેખાય છે.
“ખાંધ પર સુખદુઃખની કાવડ, કરમાં ઝોળી ધૈર્યની” પંકિત ખુબ ગમી.
શૂન્યની આ રચના અમ સમક્ષ પહોંચાડવા બદલ અમિત નો ખુબ ખુબ આભાર અને આવી સારી સારી રચનાઓ “પિરસતા” રહો એવી આશા.
2.
manvant | સપ્ટેમ્બર 12, 2006 પર 1:30 એ એમ (am)
“શૂન્ય” એ રીતે જીવનનો બોજ….વેઠ્યો કે વેંઢાર્યો અમે ?
3.
UrmiSaagar | સપ્ટેમ્બર 12, 2006 પર 8:23 એ એમ (am)
…………..
simply superb gazal! very nice words….
4.
Mrugesh shah | સપ્ટેમ્બર 12, 2006 પર 3:00 પી એમ(pm)
જીંદગીનું એક જુદી જ જાતનું નિરુપણ ઉપરોક્ત ગઝલમાં જોવા મળે છે. ખભા પર સુખ દુખ ને ઝેલીને હાથમાં ધૈયની ઝોળી રાખવાની વાત ગઝલકાર અદ્દભૂત રીતે વર્ણવે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ આવી સુંદર રચના પ્રસ્તુત કરવા માટે.
5.
સુરેશ જાની | સપ્ટેમ્બર 12, 2006 પર 4:12 પી એમ(pm)
;શૂન્ય’ નાં પુસ્તકો હમણાં સુધી બજારમાં અપ્રાપ્ય હતાં . ભાઇ શ્રી. મુસાફિર પાલનપુરીએ તેમની ચૂંટેલી ગઝલોનો સંગ્રહ ‘દરબાર શૂન્યનો’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે.
આ કવિની રચનાઓ જો વિશ્વની પ્રજા સમક્ષ મૂકાય તો તેને નોબલ પ્રાઇઝ મળે, તે ગજાના આ કવિને શત શત પ્રણામ
તેમનો પરિચય્…
https://sureshbjani.wordpress.com/2006/06/17/shunya/
6.
કસુંબલ રંગનો વૈભવ | ઓક્ટોબર 22, 2006 પર 12:37 પી એમ(pm)
અમીત ભાઈ અભિનંદન અલીખાન બલોચ શુન્ય પાલનપુરી એક ઉચા ગઝાના ગુજરાતી શાયર છે. તેઓની ગઝલ જો દુનીયા સમક્ષ.પહોચે તો નોબલ પ્રાઈઝ નાની વાત કહેવાય …………..
“ખરીદી શકે છે કોઈ પણ જગતમાં વિનિમયમાં આપી શકે જો પ્રભુને
જે શ્રધ્ધાની મોંઘેરી મુડી સમા છે એ સઘળા અસંકિત નમન વેચવા છે”
છે ને …….ફકીરાના અંદાજ