Archive for સપ્ટેમ્બર 13, 2006
આજ રે સ્વપનામાં – લોકગીત.
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.
ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો,
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.
જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.
પારસ પીપળો ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.
ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.
તમે ટહુક્યાં ને… – ભીખુભાઇ કપોડિયા ( 08-07-1949 )
તમે ટહુક્યાં ને આભ મને ઓછુ પડ્યું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખુ ગગન મારું ઝોલે ચડ્યું…
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
જેમ ઊજળી કો’સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીના સુર મહી હેલે ચડ્યું.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું…
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય,
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં…ય
વન આખુંયે લીલેરા બોલે મઢ્યું…
મિત્રોના પ્રતિભાવ