આજ રે સ્વપનામાં – લોકગીત.
સપ્ટેમ્બર 13, 2006 at 11:35 પી એમ(pm) 1 comment
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.
ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો,
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.
જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.
પારસ પીપળો ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.
ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.
Entry filed under: લોકગીત - દુહા.
1.
shivshiva | સપ્ટેમ્બર 19, 2006 પર 3:34 પી એમ(pm)
ખળખળતી નદી જેવું ખળખળતું લોકગીત છે