Archive for સપ્ટેમ્બર, 2006
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર.
એલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર.
એલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા જાળીયા મેલાવ.
મા નો ગરબો રે , રમે રાજ ને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર.
એલી ઘાંચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ,
મા ને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ઘણ ઉઠાવ – સુન્દરમ્
સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908 :: 13-01-1991 )
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
મારું હૈયું ખોવાયું એક વેળા – ગુલાબદાસ બ્રોકર.
ગુલાબદાસ હ. બ્રોકર ( 20-09-1909 :: 10-06-2006 )
મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઇ એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં ક્હાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.
માધવ ક્યાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે.
હરીન્દ્ર દવે ( 19-09-1930 :: 29-03-1995 )
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઇ ન માગે દાણ
કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી !
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી ;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.
ભથવારીનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી.
ગોધણ – ઘણીની ભથવારી રે,
હું ગોધણ – ધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમ – ક્યારી રે,
પતિ આંબો ને હું પ્રેમ – ક્યારી.
સેંથડે સિંદૂર : પ્રેમનાં આંજણ
આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનગન નાચું,
આવને મોરલા રબારી રે….. હું…
રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે,
ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે,
દેખે ત્યાં થાક દે વિસારી રે….. હું…
હળવે ઉતારી ભાત મહીડાં પીરસું,
ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને
આવું સીમે દોડી દોડી રે….. હું…
વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી
પીંછાં ગૂંથું હું સમારી;
જોઇ જોઇને એ મુખ રળિયામણું,
હૈયામાં ઉડતી ફુવારી રે….. હું…
આ તનરંગ – બ્રહ્માનંદ.
આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધનસંપત્તિ મેલી, તારી નજરું આગે જી.
અંગે તેલફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી;
જોબન – ધનનું – જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઇ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમતેમ મુખથી બોલે છે.
મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઇ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગે જી.
આજકાલમાં હું – તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.
વ્યર્થ દુનિયામાં – બરકત વિરાણી ‘બેફામ’
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.
એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.
આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.
એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.
હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.
પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.
છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.
છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
આજ રે સ્વપનામાં – લોકગીત.
આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
આજ રે સ્વપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.
ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.
ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો,
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.
લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.
જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.
પારસ પીપળો ઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.
ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે.
તમે ટહુક્યાં ને… – ભીખુભાઇ કપોડિયા ( 08-07-1949 )
તમે ટહુક્યાં ને આભ મને ઓછુ પડ્યું…
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખુ ગગન મારું ઝોલે ચડ્યું…
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
જેમ ઊજળી કો’સારસની જોડ,
પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું
વાંસળીના સુર મહી હેલે ચડ્યું.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડ્યું…
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઇ
નીરખું નીરખું ન કોઇ ક્યાંય,
એવી વનરાઇ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય,
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં…ય
વન આખુંયે લીલેરા બોલે મઢ્યું…
મિત્રોના પ્રતિભાવ