Archive for સપ્ટેમ્બર, 2006

માધવ ક્યાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે.

હરીન્દ્ર દવે ( 19-09-1930  ::  29-03-1995 )

ફૂલ  કહે  ભમરાને,  ભમરો  વાત  વહે  ગુંજનમાં :
               માધવ  ક્યાંય  નથી  મધુવનમાં.

      કાલિન્દીનાં  જલ  પર  ઝૂકી
                    પૂછે  કદંબડાળી,
      યાદ  તને  બેસી  અહીં  વેણુ
                    વાતા’તા  વનમાળી  ?

લહર  વમળને  કહે,  વમળ  એ  વાત  સ્મરે  સ્પંદનમાં  :
               માધવ  ક્યાંય  નથી  મધુવનમાં.

      કોઇ  ન  માગે  દાણ
                    કોઇની  આણ  ન  વાટે  ફરતી,
      હવે  કોઇ  લજ્જાથી  હસતાં
                    રાવ  કદી  ક્યાં  કરતી  !

નંદ  કહે  જશુમતીને,  માતા  લાલ  ઝરે  લોચનમાં  :
               માધવ  ક્યાંય  નથી  મધુવનમાં.

      શિર  પર  ગોરસમટુકી
                    મારી  વાટ  ન  કેમે  ખૂટી,
      અબ  લગ  કંકર  એક  ન  લાગ્યો,
                    ગયાં  ભાગ્ય  મુજ  ફૂટી  ;

કાજળ  કહે  આંખોને,  આંખો  વાત  વહે  અંસુઅનમાં  :
                    માધવ  ક્યાંય  નથી  મધુવનમાં.

સપ્ટેમ્બર 18, 2006 at 11:23 પી એમ(pm) 11 comments

ભથવારીનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી.

ગોધણ – ઘણીની  ભથવારી  રે,
         હું  ગોધણ – ધણીની  ભથવારી;
આંબો  ને  હું  પ્રેમ – ક્યારી  રે,
         પતિ  આંબો  ને હું  પ્રેમ – ક્યારી.

સેંથડે  સિંદૂર  :  પ્રેમનાં  આંજણ
         આંજ્યાં  આંખે  મતવારી;
ઢેલડી  જેવી  હું  થનગન  નાચું,
         આવને  મોરલા  રબારી  રે….. હું…

રૂમઝૂમ  રૂમઝૂમ  ઝાંઝર  ઝમકે,
         ભાલે  શી  સ્નેહની  સિતારી;
ખેતર  ખૂંદી  કંથ  થાકીને  આવે,
         દેખે  ત્યાં  થાક  દે  વિસારી  રે….. હું…

હળવે  ઉતારી  ભાત  મહીડાં  પીરસું,
         ફૂલડાંની  પાથરું  પથારી;
કંથડને  કાજ  ઘર  રેઢું  મૂકીને
         આવું  સીમે  દોડી  દોડી  રે….. હું…

વા’લમને  છોગલે  ગૂંથું  ચંબેલડી
         પીંછાં  ગૂંથું  હું  સમારી;
જોઇ  જોઇને  એ  મુખ  રળિયામણું,
         હૈયામાં  ઉડતી  ફુવારી  રે….. હું…

સપ્ટેમ્બર 17, 2006 at 10:24 પી એમ(pm) 4 comments

આ તનરંગ – બ્રહ્માનંદ.

આ  તનરંગ  પતંગ  સરીખો,  જાતાં  વાર  ન  લાગે  જી;
અસંખ્ય  ગયા  ધનસંપત્તિ  મેલી,  તારી  નજરું  આગે  જી.

અંગે  તેલફુલેલ  લગાવે,  માથે  છોગાં  ઘાલે  જી;
જોબન – ધનનું – જોર  જણાવે,  છાતી  કાઢી  ચાલે  જી.

જેમ  ઉંદરડે  દારૂ  પીધો,  મસ્તાનો  થઇ  ડોલે  જી;
મગરૂરીમાં  અંગ  મરોડે,  જેમતેમ  મુખથી  બોલે  છે.

મનમાં  જાણે  મુજ  સરીખો,  રસિયો  નહીં  કોઇ  રાગી  જી;
બહારે  તાકી  રહી  બિલાડી,  લેતાં  વાર  ન  લાગે  જી.

આજકાલમાં  હું – તું  કરતાં,  જમડા  પકડી  જાશે  જી;
બ્રહ્માનંદ  કહે,  ચેત  અજ્ઞાની,  અંતે  ફજેતી  થાશે  જી.

સપ્ટેમ્બર 16, 2006 at 12:22 એ એમ (am) 4 comments

વ્યર્થ દુનિયામાં – બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ  દુનિયામાં  પ્રણયને  આંધળો  કહેવાય  છે ;
તું  નયન  સામે  નથી  તોપણ  મને  દેખાય  છે.

જ્યાં  જુઓ  ત્યાં  બસ  બધે  એક  જ  વદન  દેખાય  છે ;
કોઇને  એક  વાર  જોયા  બાદ  આવું  થાય  છે.

એમ  તો  એનું  અચાનક  પણ  મિલન  થઇ  જાય  છે ;
શોધમાં  નીકળું  છું  ત્યારે  જ  એ  સંતાય  છે.

આવ  મારાં  આંસુની  થોડી  ચમક  આપું  તને,
તું  મને  જોઇને  બહું  ઝાંખી  રીતે  મલકાય  છે.

એટલે  સાકી,  સુરા  પણ  આપજે  બમણી  મને,
મારા  માથા  પર  દુઃખોની  પણ  ઘટા  ઘેરાય  છે.

હોય  ના  નહિ  તો  બધોય  માર્ગ  અંધારભર્યો,
લાગે  છે  કે  આપની  છાયા  બધે  પથરાય  છે.

હું કરું  છું  એના  ઘરની  બંધ  બારી  પર  નજર,
ત્યારે  ત્યારે  મારી  આંખોમાં  જ  એ  ડોકાય  છે.

પ્યાર  કરવો  એ  ગુનો  છે  એમ  માને  છે  જગત,
પણ  મને  એની  સજા  તારા  તરફથી  થાય  છે.

છે  લખાયેલું  તમારું  નામ  એમાં  એટલે,
લેખ  મારાથી  વિધિના  પણ  હવે  વંચાય  છે.

છે  અહીં  ‘બેફામ’  કેવળ  પ્રાણની  ખુશ્બૂ  બધી,
પ્રાણ  ઊડી  જાય  છે  તો  દેહ  પણ  ગંધાય  છે.

સપ્ટેમ્બર 14, 2006 at 11:18 પી એમ(pm) 4 comments

આજ રે સ્વપનામાં – લોકગીત.

આજ  રે  સ્વપનામાં  મેં  તો  ડોલતો  ડુંગર  દીઠો  જો,
ખળખળતી  નદિયું  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

આજ  રે  સ્વપનામાં  મે  તો  ઘમ્મર  વલોણું  દીઠું  જો,
દહીં –  દૂધના  વાટકા  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

આજ  રે  સ્વપનામાં  મેં  તો  લવિંગ  લાકડી  દીઠી  જો,
ઢીંગલાં  ને  પોતિયાં  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

આજ  રે  સ્વપનામાં  મેં  તો  જટાળો  જોગી  દીઠો  જો,
સોનાની  થાળી  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

આજ  રે  સ્વપનામાં  મે  તો  પારસપીપળો  દીઠો  જો,
તુળસીનો  ક્યારો  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

આજ  રે  સ્વપનામાં  મે  તો  ગુલાબી  ગોટો  દીઠો  જો,
ફૂલડિયાંની  ફોર્યું  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.

ડોલતો  ડુંગર  ઇ  તો  અમારો  સસરો  જો,
ખળખળતી  નદીએ  રે  સાસુજી  મારાં  ના’તાં’તાં  રે.

ઘમ્મર  વલોણું  ઇ  તો  અમારો  જેઠ  જો,
દહીં – દૂધના  વાટકા  રે  જેઠાણી  મારાં  જમતાં’તાં  રે.

લવિંગ – લાકડી  ઇ  તો  અમારો  દેર  જો,
ઢીંગલે  ને  પોતિયે  રે  દેરાણી  મારાં  રમતાં’તાં  રે.

જટાળો  જોગી  ઇ  તો  અમારો  નણદોઇ  જો,
સોનાની  થાળીએ  રે  નણદી  મારાં  ખાતાં’તાં  રે.

પારસ  પીપળો  ઇ  તો  અમારો  ગોર  જો,
તુળસીનો  ક્યારો  રે  ગોરાણી  મારાં  પૂજતાં’તાં  રે.

ગુલાબી  ગોટો  ઇ  તો  અમારો  પરણ્યો  જો,
ફૂલડિયાંની  ફોર્યું,  સાહેલી,  મારી  ચૂંદડીમાં  રે.

સપ્ટેમ્બર 13, 2006 at 11:35 પી એમ(pm) 1 comment

તમે ટહુક્યાં ને… – ભીખુભાઇ કપોડિયા ( 08-07-1949 )

તમે  ટહુક્યાં  ને  આભ  મને  ઓછુ  પડ્યું…
ટહુકારે  એક  એક  ફૂટી  પાંખો  ને  હવે
                     આખુ  ગગન  મારું  ઝોલે  ચડ્યું…

લીલી  તે  કુંજમાંથી  આવ્યે  બે  બોલ
જેમ  ઊજળી  કો’સારસની  જોડ,
પાંખનો  હેલાર  લઇ  પાંપણિયે,  ઉર  મારું
                      વાંસળીના  સુર  મહી  હેલે  ચડ્યું.

તરસ્યાં  હરણાંની  તમે  પરખી  આરત
ગીત  છોડ્યું  કે  કુંડમાંથી  ઝરણું  દડ્યું…
મોરનાં  તે  પીંછાંમાં  વગડાની  આંખ  લઇ
                      નીરખું  નીરખું  ન  કોઇ  ક્યાંય,

એવી  વનરાઇ  હવે  ફાલી
         સોનલ  ક્યાંય  તડકાની  લાય  નહીં  ઝાંય,
રમતીલી  લ્હેરખીને  મારગ  ન  ક્યાં…ય
         વન  આખુંયે  લીલેરા  બોલે  મઢ્યું…

આ રૂડુ ગીત સાંભળવા અહીં ક્લીક કરો. (ટહુકો)

સપ્ટેમ્બર 13, 2006 at 9:43 એ એમ (am) 5 comments

પડકાર – શૂન્ય પાલનપુરી ( 19-12-1922 :: 17-03-1987 )

ડોલતા  ભુજંગ  માથે  હાથ  પસવાર્યો  અમે;
આપની  જુલ્ફોના  સોગન,  યમને  પડકાર્યો  અમે.

બહુ  થયું  તો  લોહી  સીંચી  જાળવી  તાજપ  અસલ,
નકલી  ફૂલોથી  કદી  ના  બાગ  શણગાર્યો  અમે.

દિલ  મહીં  ખૂંપી  ગયા,  નાદાન  ખીલા  ક્રૉસના,
પ્રેમ  કાતિલ  થઇ  ગયો  તોપણ  નહીં  વાર્યો  અમે.

એક  અટારીનું  અચાનક  તૂટવું  ભારે  પડ્યું !
આમ  તો  ભૂકંપને  પણ  ક્યારે  ગણકાર્યો  અમે  ?

ખાંધ  પર  સુખદુઃખની  કાવડ,  કરમાં  ઝોળી  ધૈર્યની,
‘શૂન્ય’  એ  રીતે  જીવનનો  બોજ  વેંઢર્યો  અમે.

સપ્ટેમ્બર 11, 2006 at 11:32 પી એમ(pm) 6 comments

Older Posts Newer Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 259,983 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930