Archive for ઓક્ટોબર 2, 2006

ફૂલોને – મનસુખલાલ ઝવેરી.

મનસુખલાલ ઝવેરી  (  03-10-1907  ::  27-08-1981 )

તમને નિહાળ્યાં છે મેં વેણીમાં વનિતા તણી
ઘરની ફૂલદાનીમાં, બાલાના કરકંકણે
નિહાળ્યાં છે દુકાનોમાં શહેરોની, જહીં તમે
તાજેતાજાં છતાં જાણે દીસતાં સાવ કૃત્રિમ.

કન્યાની કેસરી કાયે, નવયૌવનની ધરી
ખુમારી, ડોલતાં દીઠાં પણ મેં તમને કદી.

નિહાળ્યાં આથમતી રાતે તમને ચીમળાયલાં
સાક્ષી સુભગ સ્વપ્નોની વધૂની સુખસેજમાં.

કૃષ્ણના કંઠમાં નિહાળ્યાં, નિહાળ્યાં છે શિવને શિરે,
નિહાળ્યાં શિશુકરે એનું ઝીલતાં હાસ્ય નિર્મળ.

નિહાળ્યાં ચાદરરૂપે મેં કાયાએ માનવ તણી,
જતું જીવનમાં વામી ક્લેશો જે ધામ અન્તિમે

પણ સાચું કહું ? શોભ્યાં તમે એવું કદી નથી,
શોભો છો જેવું વૃક્ષોની ડાળીએ ઝૂલતાં તમે.

ઓક્ટોબર 2, 2006 at 11:36 પી એમ(pm) 5 comments

સાચી રે મારી સત રે ભવાની મા

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..

શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે…..

વિજ્યા દશમી ના પર્વ પર સૌ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ – હેપી દશેરા.

ઓક્ટોબર 2, 2006 at 12:23 પી એમ(pm) 1 comment

ગાંધીડો મારો – મોભીડો મારો – કાગ.

સો સો વાતુંનો જાણનારો,
         મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
 
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
         એ…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
         ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
         એ…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
         ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
         એ…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
         મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
         એ…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
         બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
         એ…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
         કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
         એ…..ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
         નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
         એ…..અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,
         જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
         એ…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
         વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
         એ…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
         સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
         સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
         ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
         એ મારા ખોળાનો ખૂંદનારો;
         મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા, 
         ઘડપણને પાળનારો. મોભીડો…..

   + ગાંધીજી વિશે વધુ વાંચવા અહી ક્લીક કરો. 
    

ઓક્ટોબર 2, 2006 at 10:25 એ એમ (am) 12 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031