Archive for ઓક્ટોબર 5, 2006
એ જિંદગી – નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (28-09-1920)
આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું ;
– ના, તે નહીં.
એ તરફથી ડાઘુજન ગમગીન ચ્હેરે આવતું ;
– તેયે નહીં.
રસ્તા વિશે એ બેય ધારા જ્યાં મળે
તે મેદની છે જિંદગી.
ભરતી વિશે ઊભરાય ખાડી, ખાંજણોયે આકળી,
– ના, તે નહીં.
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળીએ પાંસળી ;
– તેયે નહીં.
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ
તે સમુંદર જિંદગી.
ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે ;
– ના, તે નહીં.
ને અષાઢી મેઘ જેવી આંખડી સતત રુએ ;
– તેયે નહીં.
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરંતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
મિત્રોના પ્રતિભાવ