વલોવાઇ જાશે – અમૃત ‘ઘાયલ’.
ઓક્ટોબર 17, 2006 at 6:58 એ એમ (am) 5 comments
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
Entry filed under: ગઝલ.
1.
વિવેક | ઓક્ટોબર 17, 2006 પર 2:24 પી એમ(pm)
સુંદર મજાની ટૂંકા બહેરની રચના…
2.
સુરેશ જાની | ઓક્ટોબર 17, 2006 પર 4:40 પી એમ(pm)
મ.ઉ. એ ગાયેલી રચના
3.
Urmi Saagar | ઓક્ટોબર 17, 2006 પર 6:24 પી એમ(pm)
આપણા મનનાં સ્વભાવનું સુંદર આલેખન… સુંદર ગઝલ!
4.
manvant | ઓક્ટોબર 18, 2006 પર 12:15 એ એમ (am)
નહીં તો હવે શ્વાસ “ઠોવાઈ” જાશે ?ઠોવાઈ= ?
સરસ્ર રચના….સુન્દર શોધ! આભાર !
5.
amit pisavadiya | ઓક્ટોબર 18, 2006 પર 9:21 એ એમ (am)
મણી દાદા.
ઠોવું એટલે અટકાવવું અથવા રોકવું.
અહીં મારા ખ્યાલ મુજબ
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
શ્વાસ અટકી જશે , રોકાઇ જશે, એમ.