Archive for ઓક્ટોબર, 2006

મંદિર તારું વિશ્વ રૂપાળું – જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’

( 18-10-1906 :: 19-07-1988 )

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.

નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

ઓક્ટોબર 18, 2006 at 11:15 પી એમ(pm) 11 comments

અમને તમારી અડખેપડખે રાખો – પન્ના નાયક

અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો

સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઇનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઇ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

ઓક્ટોબર 17, 2006 at 11:54 પી એમ(pm) 4 comments

વલોવાઇ જાશે – અમૃત ‘ઘાયલ’.

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

ઓક્ટોબર 17, 2006 at 6:58 એ એમ (am) 5 comments

ચર્ચામાં નથી હોતી – ‘આસિમ’ રાંદેરી

આસિમ રાંદેરી ( મહમૂદમિયાં મોહંમદ ઇમામ સૂબેદાર )

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

ઓક્ટોબર 15, 2006 at 10:01 પી એમ(pm) 7 comments

રાધા – મુકેશ જોશી

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

ઓક્ટોબર 14, 2006 at 10:17 પી એમ(pm) 6 comments

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

ઓક્ટોબર 13, 2006 at 9:48 પી એમ(pm) 2 comments

ન મોકલાવ – રમેશ પારેખ.

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

ઓક્ટોબર 12, 2006 at 9:10 પી એમ(pm) 5 comments

સનમની નિગાહ – ડાહ્યાભાઇ દેરાસરી ‘બુલબુલ’.

નિગાહ તુજની, અરે ! બદમસ્તીમાં હુશિયાર કેવી છે ?
અમારું દિલ ચુરાવાને, કહો ! તૈયાર કેવી છે ?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,
શહીદે નાઝ ! બતલાવો કે આમાં ધાર કેવી છે ?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઇને દિલ મહીં લાગી,
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે ?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું,
જરા દિલબર ! બતાવોને અહા ! તલવાર કેવી છે !

ઓક્ટોબર 11, 2006 at 9:14 પી એમ(pm) 7 comments

નામ લખી દઉં – સુરેશ દલાલ.

ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !

અધીર થઇને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તીશી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં !

ઓક્ટોબર 10, 2006 at 9:55 પી એમ(pm) 3 comments

રાખ્યો તેં – મનોજ ખંડેરિયા.

હાથમાં કારોબાર રાખ્યો તેં
ને મને બારોબાર રાખ્યો તેં

એક ડગ છૂટથી ભરી ન શકું
ખીણની ધારોધાર રાખ્યો તેં

કોણ છું કોઇ દિ’ કળી ન શકું
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં

આંખમાં દઇ નિરાંતનું સપનું
દોડતો મારોમાર રાખ્યો તેં

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા
મોતની હારોહાર રાખ્યો તેં.

ઓક્ટોબર 9, 2006 at 10:16 પી એમ(pm) 4 comments

Older Posts Newer Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 281,521 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031