Archive for નવેમ્બર, 2006

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે – મરીઝ.

[odeo=http://odeo.com/audio/3486483/view]

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

નવેમ્બર 30, 2006 at 9:43 પી એમ(pm) 4 comments

સુંદર – સુલતાન લોખંડવાલા.

છે સપનું તમારું તમારાથી સુંદર
અને મૌન પાછું ઇશારાથી સુંદર

તમે કેમ મલકો છો તસવીર જોઇ
હતું કોણ એમાં અમારાથી સુંદર

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર

તમે ધડકનોમાં વસાવ્યા અમોને
હતું મન તમારું ઉતારાથી સુંદર.

નવેમ્બર 29, 2006 at 9:04 પી એમ(pm) 2 comments

પ્રેમ એટલે – પન્ના નાયક.

મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો ! 

       *****

નવેમ્બર 29, 2006 at 10:18 એ એમ (am) 5 comments

તારા નયનમાં ! – કરસનદાસ માણેક

કરસનદાસ માણેક ( 28-11-1901   ::   18-01-1978 )

જીવનના તુફાનોમાં ભૂલો પડેલો,
હું શોધું છું રસ્તો આ તારા નયનમાં !

નજર નાખું જ્યાં જ્યાં ત્યાં અંધારું ઘેરૂં :
નિહાળું છું પુનમ આ તારા નયનમાં !

છે કંટક ડગેડગ, ગરલ શ્વાસશ્વાસે :
ઝીલું છું હું અમૃત આ તારા નયનમાં !

ભરોસે ડુબેલો હું બેદિલ, તે દેખું
દિલાસાની દુનિયા આ તારા નયનમાં !

છે સંસાર કેરૂં તો નામ જ સમસ્યા,
ઉકેલું છું જેને આ તારા નયનમાં !

હું પંડિતને પૂછું : શું એવું છે વેદે
નથી જે પ્રકટ પૂર્ણ તારા નયનમાં ?

છે સર્જનની માદક ખુમારીના રંગો,
તરંગો પ્રલયના આ તારા નયનમાં !

બધાયે યુગો ને બધી મોસમો છે :
નથી શું, તું કહેને, આ તારા નયનમાં ?

જખમનો મલમ છે, મલમનો ઇલમ છે ;
ઇલમની છે આલમ આ તારા નયનમાં !

જુદાઇની મારી બધી વેદનાઓ
બની મોજ તરતી જો તારા નયનમાં !

નવેમ્બર 27, 2006 at 9:19 પી એમ(pm) 3 comments

આવકારો મીઠો આપજે – દુલા ભાયા કાગ.

[odeo=http://odeo.com/audio/3170133/view]

તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
                  આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
                  બને તો થોડું……કાપજે રે…. જી…..

માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે….
                  આવકારો મીઠો….આપજે રે ….જી….

કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
                  આવકારો મીઠો…..આપજે રે…..જી…

વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે.. 
                  આવકારો મીઠો…..આપજે રે….જી….

પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
                  આવકારો મીઠો…. આપજે રે….જી…..

નવેમ્બર 26, 2006 at 8:55 પી એમ(pm) 9 comments

બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 )

(1) મહોબ્બતમાં હવે…


[odeo=http://odeo.com/audio/3160533/view]

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. 

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

(2) સપના રૂપેય આપ…

સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;
ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

+ આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો : ટહુકો.

નવેમ્બર 25, 2006 at 10:35 એ એમ (am) 4 comments

પ્રિય ને તુજ નામ વચ્ચે – હિતેન આનંદપરા.

પ્રિય ને તુજ નામ વચ્ચે મિત્ર લખવાનો વખત આવી ગયો,
એક શબ્દનો વધારો કાળજા પર ડામ ઊંડા દઇ ગયો.

મિત્ર શબ્દના નીકળતા અર્થ વિશે માન છે, પણ શું કરું ?
આમ આવીને વચોવચ કંઇ જ પણ સમજ્યા વિના બેસી ગયો.

કેમ આ સંબંધના બદલાવથી બદલાય છે સંબોધનો ?
પ્રશ્ન મેં એક જ ફક્ત પૂછ્યો તને એ પણ નિરુત્તર રહી ગયો.

અલ્પવિરામે ઘણીયે રાહ જોઇ તે છતાં જન્મ્યું નહીં,
નામ જ્યાં તારું લખ્યું ત્યાં પત્ર આખો ટાંક પર અટકી ગયો.

પેન અટકે શાહી છાંટું ને અચાનક લોહીના છાંટા ઊડે,
એક માણસ પેનની શાહી સમો અધવચ્ચેથી ખૂટી ગયો.

નવેમ્બર 23, 2006 at 8:57 પી એમ(pm) 3 comments

રસ્તો – ભીખુભાઇ ચાવડા ‘નાદાન’.

તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો

તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો !

કહો આ આપણા સંબંધની ના કઇ રીતે કહેશો ?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.

જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યાં તેઓ,
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.

જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો.

પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે,
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.

નવેમ્બર 21, 2006 at 8:55 પી એમ(pm) 3 comments

ન થયા – રમેશ પારેખ.

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

નવેમ્બર 21, 2006 at 9:16 એ એમ (am) 5 comments

રુબાઇયાત – ઉમર ખય્યામ (અનુ. શશિકાન્ત નીલકંઠ)

જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઇ,
તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે ;
ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને ;
ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે.

નવેમ્બર 19, 2006 at 11:00 પી એમ(pm) Leave a comment

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930