Archive for નવેમ્બર 6, 2006

તમે જો સાથ દેશો – બરકત વિરાણી ‘બેફામ’

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જશે.

જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.

ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.

મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ,
તને એ ડર કે તારી વાત કોઇ સાંભળી જાશે.

કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.

જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે,
કોઇ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.

રહી જશે પ્રહારો ઝીલનારા એકલો ઊભા,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.

સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.

નવેમ્બર 6, 2006 at 10:39 પી એમ(pm) 4 comments

વ્હાલમા – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

( 06-11-1881   ::   30-07-1953 )

શિયાળો શૂળે ગયો ને ઉનાળો ધૂળે વહ્યો
                  સરવરિયાં છલકે રે મારી આંખમાં ;
દિલ હોલાયાં આંગણે ને ફૂલ સુકાયાં ફાગણે
                  સરવરિયાં વરસે રે શ્રાવણ સાખમાં !

કાગા બોલે બારણે ને દોડી જાઉં ઓવારણે,
                  ઊના રે ધખતા ત્યાં સૂના ઓટલા ;
કોયલડી કૂ કૂ કરે ને કુંજલડી ચટકું ભરે,
                  ઓળું ને ખોળું રે દિનભર ચોટલા !

સપનામાં કંઇ સાંપડે ને જાગી નજરે ના પડે,
                  ખાલી રે ઓશીકાં ખૂંચે હાથને ;
નીંદર ના’વે આંખડી ને પળપળ પલકે પાંખડી,
                  લાગું કે ઘેલી હું સહિયર સાથને !

વીજ પડે કંઇ ઓતરે ને ચમકી દોડું ચોતરે,
                  શીળા રે વાતા દખ્ખણના વાયરા ;
તારલિયા સહુ ચીંધતા ને હૈયાં મારાં વીંધતાં,
                  વીખરાતા મારે દિલના ડાયરા !

પૂછું પળતાં પંથીડા ને પૂછું ઊડતાં પંખીડાં,
                  મારગડે દીઠો રે કો વરણાગિયો ?
મારગડા તો ધગધગે ને સૂના ડુંગર ડગમગે,
                  વાટે રે વહેતા જોગી વેરાગીઓ.

દેહલડી ધરણી ઢળે ને નયણાં મારા નીગળે,
                  જીવલડો તલખે રે કાળા કાલમાં ;
બોલ્યા ઘૂઘરા બારણે ને છાંટ્યાં નીર ઉતારણે,
                  ઝરમરિયાં ઝમકે રે ઝગમગ, વ્હાલમા !

નવેમ્બર 6, 2006 at 12:46 એ એમ (am) 5 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930