Archive for નવેમ્બર 21, 2006
રસ્તો – ભીખુભાઇ ચાવડા ‘નાદાન’.
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો
તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેસ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો !
કહો આ આપણા સંબંધની ના કઇ રીતે કહેશો ?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો.
જતો’તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યાં તેઓ,
પૂછીપૂછીને પુછાયું કે આ ક્યાં જાય છે રસ્તો.
જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો.
પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે,
જુઓ ‘નાદાન’ બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો.
ન થયા – રમેશ પારેખ.
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
મિત્રોના પ્રતિભાવ