Archive for નવેમ્બર 25, 2006
બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 )
(1) મહોબ્બતમાં હવે…
[odeo=http://odeo.com/audio/3160533/view]
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
(2) સપના રૂપેય આપ…
સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;
ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
મિત્રોના પ્રતિભાવ