Archive for નવેમ્બર, 2006
હાં…હાં હાલાં – સં. ઝવેરચંદ મેઘાણી.
…હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;
ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;
પોરનાં ટાણાં વયાં જાય –
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…
ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;
ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…
ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…
હું તો પરણી – મીરાં.
હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
વ્હાલમજી, હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
બીજાનાં મીંઢણ નહિ રે બાંધુ…..હું તો પરણી…
ચારે ચારે જુગની વ્હાલે, ચોરીઓ ચિતરાવી રે હાં ;
વ્હાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર…..બીજાનાં…
રાજસી ભોજન રાણા, જમવાં નથી રે ;
વ્હાલમજી, અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે….બીજાનાં…
મોતીની માળા રાણા, કામ ન આવે રે હાં ;
વ્હાલમજી, અમે તુલસીની માળા પહેરી રહીશું રે…..બીજાનાં…
હીર તણાં ચીર મારે, કામ ન આવે રે હાં ;
વ્હાલમજી, અમે ભગવાં પહેરીને નિત્ય ફરશું રે…..બીજાનાં…
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હાં ;
વ્હાલમજી, હું તો તમને ભજીને થઇ છું ન્યાલ રે…..બીજાનાં…
…શું રે જવાબ દઇશ માધા ? – ઇસુભાઇ ગઢવી
દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા….. ?
તો શું રે જવાબ દઇશ માધા…..?
તારું તે નામ તને યાદ નો’તું તે’દિથી,
રાધાનું નામ હતું હોઠે.
ઠકારાણાં-પટરાણાં કેટલાય હતા તોયે,
રાધા રમતી’તી સાત કોઠે
રાધાવિણ વાસંળીનાં વેણ નહીં વાગે
શીદને સોગંધ એવા ખાધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
રાધાના પગલામાં વાવ્યું વનરાવન –
ફાગણ બનીને એમાં મહેક્યો,
રાધાના અકેકા શ્વાસ તણે ટોડલે
અષાઢી મોર બની ગહેક્યો,
આજ આઘેરાં થઇ ગ્યાં કાં રાધા ને વાંસળી
એવા તે શું પડ્યા વાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
ઘડીકમાં ગોકુળ ને ઘડીક વનરાવન,
ઘડીકમાં મથુરાના મહેલ
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ,
ઘડીક કુબ્જાની સંગ ગેલ
હેત પ્રીત ન્હોય રાજ ખટપટના ખેલ કાન
સ્નેહમાં તે હોય આવા સાંધા…..?
તો શું રે જવાબ દઇશ માધા…..?
“કૃષ્ણનો જવાબ”
“ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા
એ તો પંડ્યે છે પહેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ પર ઓઢીએ
નહીં તો રખાય એને આઘા,
આ સઘળો સંસાર મારા સોળે શણગાર
પણ અંતરનો આતમ એક રાધા…..
હવે પૂછશો મા કોણ
હતી રાધા….. ?”
આધુનિક સુદામાનું ગીત – પ્રવીણ ટાંક
( ઘર પહુંચે તો દેખકે વૈભવ ચકિત સુદામા હોય….. ના અનુસંધાને આગળ વધતું….. )
છેક દ્વારિકાથી દોડતા આવી, સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..
ફફડતા હૈયે જ્યાં પગ દીધો ફ્લેટમાં, ત્યાં ફાગણની કોયલ સંભળાઇ…..
સોફાઓ દેખીને સૂવા એ જાય, ત્યાં તાંદુલિયાં સ્વપ્નો વીસરાય…..
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ, બૂટ, સેટ, ટાઇ, વીંટેલી…..છેક…
પંખા, પલંગો, કબાટોને જોઇ પછી, ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાંયે કા’નાને થીજેલા જોઇ, ફોન ઉપાડી મોટેથી બોલે,
હાઉ આર યુ કા’ન ? જરા બિઝી છું યાર !
જો આ ઑફિસની ફાઇલો પડેલી…..છેક…
સનસેટ જોવાને બેઠા છે, સાંજે એ ગાર્ડનના ઝૂલે કમ્પાઉન્ડમાં
ફેશનિયાં છોકરાં ને ટોમીને લઇ, હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં
એના ચ્હેરે ગૉગલ્સ, સહેજ દુખતા મસલ્સ
હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી…..છેક…
ગોળગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર, એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમદોમ ફૂટી, ને દ્વારિકા તો દરિયે ડૂબેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..
ઓછા છે – પ્રભુલાલ દ્વિવેદી
( 15-11-1892 :: 31-01-1962 )
હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે ;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મુશ્કિલ ડૂબવું જેમાં,
એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.
પ્રણયકલહે વહે આંસુ ચૂમે ચાંપી હ્રદય સ્વામિન્,
અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.
મેહુલા ! – ભનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
( 13-11-1913 :: 23-10-1970 )
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા !
ઝંખે છે ભોમ પાણી પાણી
તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા !
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા !
હજીયે ખડા ન ખેંચાણી ? ઓ, મેહુલા !
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી…..ઓ, મેહુલા !
તોયે ના આરજૂ કળાણી ? ઓ, મેહુલા !
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ, મેહુલા !
તોયે ન પ્યાસ પરખાણી ? ઓ, મેહુલા !
ભાંભરતાં ભેંસગાય, પંખી ગુપચુપ જોય
ચાંચો ઉઘાડી…..બિડાણી…..ઓ, મેહુલા !
જાગી ન જિંદગીની વાણી ? ઓ, મેહુલા !
મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી ઓ, મેહુલા !
તારી કાં એક ના એંધાણી ? ઓ, મેહુલા !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો – લોકગીત.
[odeo=http://odeo.com/audio/2536183/view]
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.
ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.
નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
રંગાઇ જાને રંગમાં
રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..
બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..
આપણે ભરોસે – પ્રહલાદ પારેખ
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ…
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઇ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઇએ !
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
અતીત – અમૃત ‘ઘાયલ’ અને પ્રતિકૃતિ – નિર્મિશ ઠાકર
અતીત – અમૃત ‘ઘાયલ’ પ્રતિકૃતિ કવિ સંમેલનમાં – નિર્મિશ ઠાકર.
મેઘધનુષના જીવનમાં રંગ હતા, અન્ય કવિઓ બધા કઢંગ હતા,
મન વિશે પણ વિવિધ ઉમંગ હતા. મન વિશે પણ વિવિધ ઉમંગ હતા.
અતિ સુંદર સમયના ઢંગ હતા, શાલ, ઝભ્ભા ને ઝૂલતા ઝોળા !
પર્વ જેવા બધા પ્રસંગ હતા. પર્વ જેવા કશા પ્રસંગ હતા.
એકબીજાનાં જાણે અંગ હતા, એકબીજાનાં જાણે અંગ હતાં,
માનવી ખૂબ અંતરંગ હતા. માઇક સાથે કવિ સળંગ હતા.
ઓસમાં સૂર્યનો હતો અણસાર, ક્યાંક તાળી પડી પઠન-મધ્યે,
બિન્દુમાં સિન્ધુના તરંગ હતાં. બિંદુમાં સિંધુના તરંગ હતાં.
કમ નહોતો પ્રતાપ ફૂલોથી, દાવ લેવા હતા ઘણા તત્પર,
બહુ પ્રતાપી સ્વયં પતંગ હતાં. બહુ પ્રતાપી સ્વયં પતંગ હતા.
ઘૂમતાં’તાં સદાય વાદળમાં, બારીએથી ઊડી ગયા શ્રોતા ?
વીજ જેવાં ચપળ વિહંગ હતાં. વીજ જેવાં ચપળ વિહંગ હતાં.
લોહીમાં કૂદા-કૂદ કરતાં’તાં, હું જ બોલું-ની ખેંચતાણોમાં –
ઓરતા શું હતા કુરંગ હતા. ઓરતા શું હતા કુરંગ હતા !
કોઇ સીમા નહોતી અચરજની, કોઇ સીમા નહોતી અચરજની,
આ ચતુર આયના ય દંગ હતા. ફાટતાંવેંત ઝભ્ભા દંગ હતા !
હુંય ‘ઘાયલ’ હતો પવનવેગી, હુંય ઘાયલ હતો કવિરૂપે !
મારી આ રાંગમાં તુરંગ હતા. ગાંઠતા ક્યાં કોઇ તુરંગ હતા ?
મિત્રોના પ્રતિભાવ