Archive for ડિસેમ્બર 2, 2006
હાલો ગલૂડાં રમાડવા જી રે ! – ઝવેરચંદ મેઘાણી.
કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
રાતાં માતાં ને રોમે રોમે સુંવાળા,
હોય મીઠાં ગાલ-મસૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
બાને વા’લાં છે જેમ વીરો ને બેની,
કાળવીને વા’લાં કુરકુરિયાં જી રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બ્હાદુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
ટીપુડો દીપુડો ડુંગરડે ઘૂમશે,
ગોધેન ભેળા વોળાવિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
મોતિયો ને માનિયો ઝોકે રોકાશે,
વાછરુ ને પાડરુ ભળાવિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
ડાઘિયો દૂધિયો ખેતરમાં જાશે
વાસુ રે’શે બે રખોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
કાળિયો ને લાલિયો પાદર પસાયતા
બાઉ ! બાઉ ! આલબેલ બોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
ગોળ-ઘી-લોટના શીરા બનાવ્યા
કાળવીનાં પેટડાં પૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
પેટ ભરીને માડી બાળક ધવરાવે
ધાવીને પોઢે ટીપૂડિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !
નિયમ સાવ નોખા – મનોજ ખંડેરિયા.
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંનાં જીવન જાણે બાકસનાં ખોખાં
લચ્યાં’તાં જે આંખે લીલા મોલ થઇને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં
તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો થઇ જાય ચોખ્ખા.
મિત્રોના પ્રતિભાવ