Archive for ડિસેમ્બર 8, 2006
લાકડું – અવિનાશ વ્યાસ.
આ આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.
માને ખોળે પડી આંખ ઊઘડી આંખો સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.
બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.
પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું.
કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો ચતુરપંખનું પાંદડું,
કહેશો ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.
ઓશિયાળા એંશી વરસે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું.
સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું.
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી.
( 08-12-1911 :: 10-01-1986 )
સ્વર : આશા ભોસલે
[odeo=http://odeo.com/audio/3662803/view]
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
મિત્રોના પ્રતિભાવ