ચાંદની ફેલાઇ ગઇ – ‘ઓજસ’ પાલનપુરી.
ડિસેમ્બર 13, 2006 at 10:12 પી એમ(pm) 1 comment
મોટામિયાં અલીમિયાં સૈયદ.
( 25-07-1927 :: 04-10-1968 )
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઇ ગઇ ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઇ ગઇ.
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઇ ગઇ ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઇ ગઇ.
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઇ ગઇ.
આત્મા પરમાત્માને, દેહ માટીનો દીધો,
જે મતા જેની હતી એને બધી સોંપાઇ ગઇ.
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ધસારો જોઇને ગભરાઇ ગઇ.
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઇ ગઇ.
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઇ ગઇ.
Entry filed under: ગઝલ.
1.
સુરેશ જાની | ડિસેમ્બર 14, 2006 પર 8:04 પી એમ(pm)
તેમના જીવન વિશે માહીતિ છે?