Archive for ડિસેમ્બર 27, 2006
તને રાધા ગમે કે ગમે મીરાં ? – ઇસુભાઇ ગઢવી.
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે કાળજ કરવત મૂક્યાં
એકે પાડ્યા ચીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાં
એકે ઝેર કટોરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યો
એકે ઓઢી શ્યામ ઓઢણી
એક ભગવા લીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણ
એક નેણની દરદ દીવાની
બીજી શબદ શરીરા… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
હું કોનો છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા…
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા… ?
મારે અંતર રાધા વેણુ વગાડે
ભીતર મીરાં મંજીરા… !
મારે તો મીરાં-રાધા-મીરાં… !
કાન તને રાધા ગમે કે ગમે મીરાં… !
મિત્રોના પ્રતિભાવ