Archive for ડિસેમ્બર, 2006

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ.

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

           
           
            છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
                                    સોનેરી ચોકલેટ કાઢી રે
            છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
                                    ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ

            
            
            છોકરીને શું ? એ તો ઝૂલી,
                                    તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
            જે કાંઇ થયું એ તો છોકરાને થયું
                                    એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
 

#  કવિ પરિચય.

ડિસેમ્બર 24, 2006 at 11:21 પી એમ(pm) 5 comments

મનરૂપી ઘોડો – દલપતરામ. Dalpatram

કવિત

મન રૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો –
જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે ;
ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ,
ગણે ન અમાપ પ્રોઢ, પાણીપણું પૂર તે ;
ઉડીને આકાશ જાય, કુદીને કૈલાશ જાય,
પાતાળની પાસ જાય, જલદી જરૂર તે ;
કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ.
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.

# કવિ પરિચય.

ડિસેમ્બર 23, 2006 at 10:04 પી એમ(pm) 1 comment

મુલાકાત – સૌપ્રિય સોલંકી ‘શૈલ’

અહીં
સુરજના કોમળ કિરણોથી
ઝળહળી રહેલા ઝાકળના બિંદુઓમાં
તમારું નામ વાંચી
તમને મળવા નીકળ્યો

અહીં
ફૂલોએ હસીને
મારું સ્વાગત કર્યું
મને શિસ્તની સુવાસ આવી
નિયમિતતાનું ગાન સંભળાયું

અહીં
ઉગતી ઉષાને
ઉચ્ચ આદર્શોના અવનવા રંગોથી
રંગવામાં આવી છે.
જ્ઞાન સરોવરમાં
કળાના કમળો
ખીલવવામાં આવ્યા છે
ઉજ્જવળ ભવિષ્યના
ઝરણાં વહી રહ્યાં છે.
સંસાર સાગરને આ કિનારે
લગારેલી જીવન-નૈયાને
સભ્યતાના શઢ અને હિંમતના હલેસા
અહીંથી આપવામાં આવે છે

ખરેખર !
અહીં મારી લાગણીઓ
ભીની ભીની થઇ ગઇ છે
લાગે છે કે
અહીંની સુવાસથી
હું સદા મહેક્યા કરીશ.

ડિસેમ્બર 22, 2006 at 11:16 પી એમ(pm) 31 comments

ભ્રમણા – ડૉ. નીલેશ રાણા

વૃક્ષોની ડાળી કે ઘરની ફૂલદાની
                        ફૂલોનું કરમાવું એક.
નજરું ભલે હોય તારે કે મારી
                        આંખોનું ભરમાવું એક.

ધુમ્મસિયા સૂરજના થીજેલા અજવાળે
                        ઝરણાં વહે બની ભ્રમણા,
હાથમાં હાથ ભલે ઓગળતા હોય
                        તોય નંદવાયાં રૂપાળાં સમણાં.
પાંપણમાં આંસુ રોક્યાં રોકાય નહીં
                         ટપકે છે એક પછી એક.

હથેળીમાં અંકાતી વંકાતી રેખાઓ
                        મારે હાંસિયામાં જીવવાનું કેમ ?
ઇશ્વરની આંગળીઓ પીંછીએ થાય
                        તોય રંગો ના કેમ હેમખેમ ?
વલોવ્યા છો ભીતરમાં ઓળખના મેરુ
                         થાય ના પાણી-પ્રતિબિંબ કદી એક.

ડિસેમ્બર 21, 2006 at 11:04 પી એમ(pm) 3 comments

પૂછી શકાતું નથી – રમેશ પારેખ

 

નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.

ડિસેમ્બર 20, 2006 at 10:38 પી એમ(pm) 4 comments

એક વિના મ્હને એકલું લાગે – અવિનાશ વ્યાસ.

એક વિના મ્હને એકલું લાગે,
હોય અનેક ગણી વર્ષા તોયે,
            ચાતક તો એનું બિન્દુ જ માગે.
                        એક વિના મ્હને એકલું લાગે.

            રૂપની રેખા ભલે રણકે,
            કોઇ નેપૂર નાદ ભલે છણકે,
તન ભલે તલસાટ કરે પણ મનની મોસમ જાગી ન જાગે. 
                         એક વિના મ્હને એકલું લાગે.

            દિલ દઝાડીને જાય કો વેરી,
            એનીયે ઓછપ લાગે અનેરી,
પ્રાણ પંખી એને ઝંખીને થાકે, લોચન કેરી ના લોલુપ ભાંગે
                        એક વિના મ્હને એકલું લાગે.

રૂપ ને રંગની હોય બિછાવટ,
                        હોય ભલે શણગાર સજાવટ,
ધન ભલે, વાહન ભલે, છોને નીત ઝૂલે આંગણ ઐરાવત,
મનને માંગ્યું જો મન મળે નહિ,
                        કંઠ કોકિલાનો જાગે ન કાગે,
                        એક વિના મ્હને એકલું લાગે.

ડિસેમ્બર 19, 2006 at 11:17 પી એમ(pm) 5 comments

અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર.

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

ડિસેમ્બર 18, 2006 at 11:32 પી એમ(pm) 1 comment

Older Posts Newer Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 258,339 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031