Archive for જાન્યુઆરી, 2007

નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત.

( 01-02-1916    ::     03-01-1980 )

ચિત્ર  :   પ્રિયા આનંદરાય પરિયાણી.

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
               તેજના ટશિયા ફૂટે રે લોલ ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
               ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
               વીરડે વાતું કરશું રે લોલ :
               વાટકે વાટકે ભરશું રે લોલ.

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
               હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
               ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ –
                              હાલોને સહિયર…

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
               હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
               એકબીજાને ગાંજે રે લોલ.
                              હાલોને સહિયર…

સાસુએ માગ્યાં ઊનાં પાણીને
               સસરે દાતણ માગ્યું રે લોલ ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
               મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
                              હાલોને સહિયર…

હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં
               તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
               આપણી વાતું નો ખૂટે રે લોલ –
                              હાલોને સહિયર…

જાન્યુઆરી 31, 2007 at 11:13 પી એમ(pm) 3 comments

એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ

એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે

દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

જાન્યુઆરી 31, 2007 at 3:21 પી એમ(pm) 8 comments

આઠે પ્રહર – જયંત વસોયા.

તારી નજર મારી નજર,
આપણે બન્ને તર-બ-તર.

તું સંભવે મારા વગર ?
હું સંભવે મારા વગર ?

ઘટના ઘટી ઘટ ભીતરે,
જાણે થયું મન માનસર.

સમરસ બધે હોવાય છે,
લોપાઇ ગઇ સઘળી અસર.

છે એક સાગર ઊછળતો,
ભાસે અલગ એની લહર.

ના યાચના, ના પ્રાર્થના,
આનંદ બસ, આઠે પ્રહર.

જાન્યુઆરી 31, 2007 at 1:06 એ એમ (am) 3 comments

યાદ – આહમદ મકરાણી.

મેં મને મૂકી દીધો છે દાવમાં ;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.

માગવાનું એમણે જ્યારે કહ્યું –
વેદના માગી હતી સરપાવમાં.

ના બદલ્યો હું, ન મારી આ દશા ;
ફેર જોયો કોઇના વર્તાવમાં.

કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.

યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઇ દરિયો નાવમાં.

જાન્યુઆરી 30, 2007 at 1:22 પી એમ(pm) 3 comments

લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.

 

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ? 

                         કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
                         વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ? 

                        બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
                        ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ? 

                        વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
                        વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ? 

                        હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
                        તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ? 

                        મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
                        હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ? 

                         શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
                         કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ? 

                        કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
                        ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

           

                               * * * * *  

–  લોકકવિ દાદનું હૈયાવરાળી ગીત ખરેખર ધારદાર લાગી રહ્યુ છે…  આજકલ લોકશાહીની વ્યાખ્યા કંઇક આવી થઇ ગઇ છે…
        
         Buy the people !
         Floor the people !
         Off the people !

( નહીં કે By the people, For the people & Of the people ) પ્રથમ લોકો ને મતદારો ને અને સાંસદ ને ખરીદો  ( Buy ),  પછી બધાને શામ-દામ-દંડથી ભોંભેળા ( Floor ) કરી દ્યો અને છેલ્લે કોઇ પણ ભોગે ખુરશી જોઇતી હોય તો બેરહમ બનીને નિર્દોષ જનતાને રહેંસી નાખો ( Off ). 

                   
–  અહીં શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય – હાલો પથ્થારી ફેરવીએ દેશની…  વાંચવા ક્લીક કરો…

જાન્યુઆરી 26, 2007 at 7:30 એ એમ (am) 2 comments

તડકો – પન્ના નાયક.

આ અઢળક તડકો ખીલ્યો રે
                     એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.

      આ પંખીઓના ટૌકા રે
                     જાણે નભમાં વહેતી નૌકા રે.
      આ વાદળના વણજારા રે
                     એને હૈયે જળના ક્યારા રે.

આ લીલા ઘાસનો દરિયો રે
                     એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
                     ને હૈયામાં સાંવરિયો રે.

જાન્યુઆરી 24, 2007 at 12:37 એ એમ (am) 3 comments

DISTANCE – વિપિન પરીખ

એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલવેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘બે માણસને એકબીજાથી દૂર કરવા માટે
કેટલું DISTANCE જોઇએ ?’

જાન્યુઆરી 18, 2007 at 10:45 પી એમ(pm) 9 comments

તેં – કરસનદાસ લુહાર.

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે !
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે !

આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો ;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે !

જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં ;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે !

ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં ;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે !

મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે !
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે !

જાન્યુઆરી 18, 2007 at 1:12 પી એમ(pm) 9 comments

ગામઠી ગોફણ ગીતા – અનામી.

ધરતયડો કે’ છે :
’ધરમછેતરમાં ને કરુછેતરમાં
ઇ ઘડીકમાં બાઝી મરે,
હંજયડા ! ઘડીકમાં બાઝી મરે,
(એવાં) મારા છૈયાંઉ ને ભાયુંના સોકરાંઉ,
ભેળાં થઇને સું કરે –
હંજયડા ! ભેળાં થઇને સું કરે ?’

અરજણીયો કે’ છે :
નાનાએ મારવા ને મોટાએ મારવા,
ને મારવાનો ના મળે આરો,
કરહણિયા ! મારવાનો ના મળે આરો,
એવું તે રાજ કેદીક ના રે કઇર્યું તો,
ચિયો ગીગો રહી ગીયો કુંવારો ?
કરહણિયા ! હું તો નથી લડવાનો…

કરહણિયો કે’ છે :
અજરામર છે અલ્યા મનખાનો આત્યમો,
ને માર્યો ના કો’થી મરાય ;
અરજણિયા ! માર્યો ના કો’થી મરાય ;
એવું હમજીને અલ્યા દીધે તું રાખ્યને,
તારા બાપનું સું જાય ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

મલક હંધોય તારી કરવાનો ઠેકડી
ને હું તો કહી કહીને થાક્યો
આ ખતરીના કુળમાં ચ્યાંથી તું આવો ?
ઊંધા તે પાનિયાનો પાક્યો
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
અલ્યા જુધમાં જીતેશ તો રાજ કરેશ ને
મરેશ તો જા’શ ઓલ્યા હરગે,
અરજણિયા મરેશ તો જાશ ઓલ્યા હરગે,
અલ્યા તારો તે દિ’ જો ઘેર હોય તો
આવો તે લાગ શીદ ચૂકે ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

મોટા મોટા માઇત્મા ને મોટા પુરસ
જીણે વાસનામાં મેલ્યો પૂળો
અરજણિયા વાસનામાં મેલ્યો પૂળો
અલ્યા એવા ઇ જગત હાટું કરમું ઢઇડે
પસે તું તે કઇ વાડીનો મૂળો ?
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

કરમની વાત હંઘી આપડા હાથમાં
ને ફળની નઇં એકે કણી,
અરજણિયા ફળની નઇં એકે કણી.
ઇમ ના હોય તો હંધાય થઇ બેહે
ઓલ્યા દલ્લી તે શહેરના ધણી
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…
ને ઊંધું ઘાલીને જા કરમ ઢહઇડ્યે
ફળની તું કર્ય મા ફકર્ય
અરજણિયા ફળની તું કર્ય મા ફકર્ય
ફળનો દેનારો ઓલ્યો બેઠો પરભૂડિયો
ઇ નથ્થ તારા બાપનો નોકર
અરજણિયા ! મેલ્યને મૂરખાવેડા…

અરજણિયો કે છે :
ભરમ ભાંગ્યો ને સંસ્યો ટળ્યા છે.
ને ગન્યાંન લાદયું મને હાચું ;
કરહણિયા ! ગન્યાંન લાદયું મને હાચું.
તું મારો મદારી ને હું તારો માંકડો
તું નચાવે ત્યમ હું નાચું
કરહણિયા ! હું તો હવે લડવાનો…

હંજયડો કે’ છે :
જોગી કરહણિયો ને ભડ અરજણિયો
ઇ બેઉ જ્યાં થાયે ભેળા
ધરતયડા ! ઇ બેઉ જ્યાં થાયે ભેળાં
મારું દલડું તો ઇમ શાખ્ય પૂરે સે
તિયાં દા’ડી ઊડે ઘીકેળાં
ધરતયડા ! દા’ડી ઊડે ઘીકેળાં… !

તડપદા શબ્દો ::
ધરતયડો = ધૃતરાષ્ટ્ર,  ધરમછેતર = ધર્મક્ષેત્ર,  કરુછેતર = કુરુક્ષેત્ર,
હંજયડો = સંજય,  અરજણિયો = અર્જુન,  કરહણિયો = કૃષ્ણ,
ખતરી = ક્ષત્રી,  જુધમાં = યુદ્ધમાં,  હરગ = સ્વર્ગ,  સસ્યો = સંશયો,
ગન્યાંન = જ્ઞાન,  શાખ્ય = સાક્ષી,  દા’ડી = રોજ.

જાન્યુઆરી 16, 2007 at 9:22 એ એમ (am) 4 comments

ક્યાં ગયો મોરલીવાળો – મીરાં.

ક્યાં ગયો મોરલીવાળો અમારા ઘૂંઘટ ખોલી રે ?
ક્યાં ગયો વાંસળીવાળો, અમને રંગમાં રોળી રે… ક્યાં…..

હમણાં વેણી ગૂંથી હૂતી, પે’રી કસુંબલ ચોળી રે ;
માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યા ઘોળી રે… ક્યાં…..

જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, બેડું નાખ્યું ઢોળી રે ;
પાતળિયો પરપંચે ભરિયો, અમે તે અબળા ભોળી રે… ક્યાં…..

પ્રેમ તણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળી રે ;
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત ચોડી રે… ક્યાં…..

જાન્યુઆરી 15, 2007 at 9:23 એ એમ (am) 3 comments

Older Posts


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031