Archive for જાન્યુઆરી 1, 2007
હિના – બાલમુકુન્દ દવે. Balmukund Dave.
ચિત્ર : શશીકાન્ત મહેતા.
પે’લવે’લી તને જોઇ મેં જ્યારે
આંખડી આંખમાં પ્રોઇને ત્યારે,
અલકલટેથી ખાઇ હિંડોળો
નેન જડ્યાં પગને પગથારે !
એમ તો તારાં નેણ બિલોરી
વેણથી યે વધુ બોલકાં, ગોરી !
લોપતી તારા લાખ મલાજા
કંચવાની ઓલી રેશમી દોરી !
સુન્દરી ! તારી દેહની દેરીએ
રોમરોમે જલે રૂપના દીવા ;
તો ય ઢળ્યાં જઇ લોચન પાનીએ
રૂપશમાની રોશની પીવા !
એવી દીઠી તારી પાનીએ હિના :
એ જ કાશી, મારું એ જ મદીના !
મિત્રોના પ્રતિભાવ