પોત અલગ છે ! – રાજેન્દ્ર શુક્લ.
જાન્યુઆરી 10, 2007 at 9:36 એ એમ (am) 7 comments
સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !
નખશિખ કવચ ધરી શું કરિયેં,
આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ
ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે
તરણાની તાકાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું
હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે,
સાજનની સોગાત અલગ છે !
ભરી સભામાં એક એમની
વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ
પોત અલગ છે, ભાત અલગ છે !
Entry filed under: ગઝલ.
1.
hemantpunekar | જાન્યુઆરી 10, 2007 પર 11:08 એ એમ (am)
વાહ વાહ! ચોટદાર વાત!
સાવ અમારી જાત અલગ છે
કરવી છે એ વાત અલગ છે
અંદરનો અનુભવ જાગે પછી માણસ ખુમારીથી આમ બોલી પડે છે. પહેલી નજરે વાતમાં અહંકાર દેખાય છે પણ અનુભવ અહંના ઓગળવાનો જ હોય છે. મોટાભાગના લોકોને આ વાતનો જાત અનુભવ હોતો નથી. એટલે કવિને અંતમાં કહેવુજ પડે છે કે સાવ અમારી જાત અલગ છે.
જુઓ આ બન્ને શબ્દોની સમાનતાને જુઓઃ
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !
અને ભગવદગીતા નો આ શ્લોકઃ
યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યાં જાગર્તિ સંયમી
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ(ભ.ગી. ૨.૬૯)
સર્વ જીવો માટે જે રાત્રી છે સંયમી ત્યારે જાગે છે. જ્યારે સર્વ જીવો જાગે છે તેને મુની રાત તરીકે જુએ છે.
વાહ વાહ રાજેન્દ્રભાઇ! મજા આવી ગઇ! અમિતભાઇ, આવી કવિતાઓ મુકતા રહેજો.
2.
હરીશ દવે | જાન્યુઆરી 10, 2007 પર 3:36 પી એમ(pm)
તરણામાં તાકાત તો કોઈ મોટા ગજાના કવિ જ મૂકી શકે, રાજેન્દ્રભાઈ શુકલ જેવા!
શબ્દો તો સૌના સરખા, પણ તે શબ્દોની ગૂંથણીથી ઉભરતું પોત સાચે જ અલગ અલગ! અમિતભાઈ! સુંદર કવિતા પસંદ કરી લાવવી તે પણ પારખુનું કામ છે.
અભિનંદન! …………. …. .. હરીશ દવે અમદાવાદ
3.
સુરેશ જાની | જાન્યુઆરી 11, 2007 પર 8:51 પી એમ(pm)
કવિ પરિચય –
http://sureshbjani.wordpress.com/2006/08/07/rajendra_shukal/
અમિત ! તેમની સીગ્નેચર આપણા બ્લોગ પર મૂકી આપીશ?
4.
Neela Kadakia | જાન્યુઆરી 12, 2007 પર 9:51 પી એમ(pm)
અલગ ભાત્યુની અલગ વાત્યુ.
5.
વિવેક | જાન્યુઆરી 15, 2007 પર 11:26 એ એમ (am)
અદ્દભૂત ગઝલ… સુંદર મજાની વાત… શબ્દો એના એ જ છે… વાહ! પણ કાફિયા ને રદીફના બંધારણને જોઈએ તો આ ગઝલ શું આ રીતે પોસ્ટ કરવાની ન્હોતી?
–
સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !
નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !
ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !
6.
Amit pisavadiya | જાન્યુઆરી 15, 2007 પર 2:10 પી એમ(pm)
વિવેકભાઇ, આપની વાત પણ યોગ્ય છે, પરંતુ મારી પાસે જે લખાણ હતુ તે મુજબ આ ગઝલ અહીં મે રજુ કરી છે…
7.
Sunil Jani | ફેબ્રુવારી 11, 2007 પર 11:22 પી એમ(pm)
’ K&b j srs, aiSi riK& k[ fr) aiv& sih)Ry vicvi mLt& rh|[S[. ’ K&b K&b a(Bn>dn !